(કીશનસિંહ મોરબીયા દ્વારા)
વીરપુર,તા.21
પ્રાપ્ત વિગતો મુજબ યાત્રાધામ વીરપુર તેમજ આસપાસના કાગવડ, પીઠડીયા, સેલુકા, થોરાળા, મસિતાળા, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. વીરપુર પંથકની નદીઓ, નાળાઓ, પર્વતો અને ટેકરાઓને બેફામ રીતે ખોદી કુદરતી સંપત્તિનો બેફામ નાશ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ખનીજ દલાલો દ્વારા ખાસ કરીને રાત્રિના સમયે ભારે મશીનરી અને વાહનો મારફતે ખનીજ ચોરી કરવામાં આવે છે. સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. કુદરતી સંપત્તિની દલાલી કરતા કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે ખાણ-ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં છે કે પછી મલાઈમાં રસ ધરાવે છે? કારણ કે અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં કોઈ કડક કાર્યવાહી થતી દેખાતી નથી. જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે અને ખનીજ ચોરીમાં સંડોવાયેલા દલાલો તથા ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

