HomeLocal Newsપપ્પા આને મારી જ નાખો.. પોલીસના ભાઈ કૃષ્ણસિંહ જાડેજાની હત્યા, થયા નવા...

પપ્પા આને મારી જ નાખો.. પોલીસના ભાઈ કૃષ્ણસિંહ જાડેજાની હત્યા, થયા નવા શોકિંગ ખુલાસા

પપ્પા આને મારી જ નાખો.. પોલીસના ભાઈ કૃષ્ણસિંહ જાડેજાની હત્યા, થયા નવા શોકિંગ ખુલાસા

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુરપાટ ઝડપે બુલેટ ચલાવતા એક સગીરને વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરવી એક યુવકને ભારે પડી ગઈ છે. બુલેટ ચાલક સગીર, તેના ભાઈ અને પિતાએ સાથે મળીને કાયદો હાથમાં લીધો હતો. આ સામાન્ય બાબતમાં સગીરના પિતાએ ગેરકાયદે હથિયાર વડે હવામાં અને ત્યારબાદ યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હતી. આ ચકચારી ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી એક સગીર સહિત પિતા-પુત્રો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

‘પપ્પા આને મારી જ નાખો, જીવતો ના રહેવો જોઈએ’

ફરિયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIRમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટના સમયે આરોપી રણજીતસિંહ વાળાએ પહેલાં હવામાં ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જ્યો હતો અને ત્યારબાદ કૃષ્ણસિંહને ગોળી મારી દીધી હતી. હુમલા દરમિયાન રણજીતસિંહના બંને પુત્રો પોતાના પિતાને ક્રૂરતાપૂર્વક ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે, ’પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ’. પુત્રોની આ ઉશ્કેરણી બાદ પિતાએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નાનામૌવા ગામતળમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ

આ ચકચારી ઘટના 8 જુલાઈની રાત્રે રાજકોટના નાનામૌવા ગામતળ શેરી નંબર-4માં આવેલા ‘કર્મયોગ’ મકાન બહાર બની હતી. રાત્રે 9:30 વાગ્યા આસપાસ બુલેટ મોટરસાયકલ સ્પીડમાં ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને સગીર વચ્ચે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી, જેમાં કૃષ્ણસિંહે સગીરને લાફો મારી દીધો હતો. આ વાતની અદાવત રાખી સગીરે પહેલાં પોતાના મોટાભાઈ અને ત્યારબાદ પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. પુત્રને લાફો માર્યો હોવાની જાણ થતાં જ પિતા રણજીતસિંહ વાળા પોતાના બંને પુત્રો સાથે હથિયાર લઈને કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા હતા.

માથા અને પેટના ભાગે ગોળી મારી

કૃષ્ણસિંહના ઘરની બહાર પહોંચીને આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. આરોપી રણજીતસિંહે પોતાની પાસે રહેલી ગેરકાયદે પિસ્તોલ/બંદૂકમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ કૃષ્ણસિંહ જાડેજાને ટાર્ગેટ કરી માથાના તેમજ પેટના ભાગે નજીકથી ગોળીઓ ધરબી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં કૃષ્ણસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એટલું જ નહીં, કૃષ્ણસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય મોટા બાપુ રહેન્દ્રસિંહ જાડેજા પર પણ આરોપી રણજીતસિંહે બંદૂકના કુંદા (પાછળના ભાગ) વડે માથામાં ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

સરધાર નજીકથી ત્રણેય આરોપીઓ ઝડપાયા

આ ઘાતકી હત્યાના પગલે મૃતકના કૌટુંબિક ભાઈએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) (હત્યા), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ એક્શનમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી નાસી છૂટેલા મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા, તેના પુત્ર રાજવીરસિંહ વાળા અને એક સગીર પુત્રને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રણજીતસિંહ સામે અગાઉ પણ પ્રોહિબિશન (દારૂબંધી)ના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

આ અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં જીવ ગુમાવનાર કૃષ્ણસિંહ જાડેજા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાના એકના એક લાડકવાયા પુત્ર હતા. કૃષ્ણસિંહના અવસાનથી તેમના પાંચ વર્ષના માસૂમ દીકરા અને માત્ર દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ક્ષણિક આવેશ અને સામાન્ય ટકોરના કારણે યુવાન પુત્ર અને પરિવારના કમાતા મોભીને ગુમાવતા જાડેજા પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે અને સમગ્ર રાજકોટમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

‘કૃષ્ણસિંહ છોકરા સાથે બોલાચાલી કરતા હતા’

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોતે ખેતી કામ કરે છે અને નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આશાપુરા કૃપા નામના મકાનમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 8 જુલાઈના રાત્રિના 9 વાગ્યાના અરસામાં જમીને અમારી શેરીમા વોકીંગ કરવા નિકળ્યો હતો, ત્યારે આશરે 9:30 વાગ્યા દરમિયાન શેરીમા મારા માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી હું ત્યાં ગયો તો કૃષ્ણસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા.

‘બુલેટ રેસ કરતા ટોક્યા હતા’

મેં પૂછતા જણાવ્યું કે આ છોકરાઓ અવારનવાર આ રોડ પરથી બુલેટ સ્પીડમા ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે. તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવારનવાર કહ્યું છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે અને આજે પણ બુલેટ સ્પીડમાં રેસ કરતા હતા. જેથી મેં તેમને રોક્યા હતા, તેમ કહેતા આ ત્રણ છોકરામાથી એક છોકરો જેને રાજવીર કહીને બોલાવ્યો હતો તે પણ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી કૃષ્ણસિંહ એ તે છોકરાને ઝાપટ મારી હતી. જેથી મે બંનેને જુદા પાડ્યા હતા.

‘ફોન કરીને ભાઈને બોલાવ્યો’

જે બાદ આ એક છોકરાએ કહ્યું કે ઉભા રહો હમણા મારા ભાઈ રાજવીરને બોલાવુ તેમ કહી તેને કોઈને ફોન કર્યો હતો અને ફોનમાં કહ્યું કે અમારે અહીં ટી.આર.પી.વાળા રોડે લપ થઈ છે. તું જલદી આવ ત્યારબાદ 5 મિનિટમાં એક છોકરો એક્ટિવા લઈને આવ્યો અને કૃષ્ણસિંહની સામે ઉભા રહીને પુછ્યુ કે શું છે તમારે ? મારા ભાઈની સાથે કેમ લપ કરી? અને કૃષ્ણસિંહ આ છોકરા સાથે વાત કરતા હતા ત્યા એક્ટિવામાં આવેલો છોકરો પણ કૃષ્ણસિંહને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો. જેથી કૃષ્ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી.

‘આપણે લપ થઈ તે પાછા આવી ગયા’

જે બાદ એક છોકરો બાજુમાંથી બોલ્યો કે ભાઈ તુ આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા આ રાજવીરે કોઈને ફોન લગાડી કહ્યું કે પપ્પા તમે અહીં ટી.આર.પી.વાળા રોડ પર આવો અહીં મને અને એક છોકરાને એક અંકલે મારી લીધું છે. ત્યારબાદ મે કૃષ્ણસિંહને કહેલ કે આ છોકરાઓ સાથે આપણે માથાકુટ નથી કરવી ચાલ ઘરે જઈએ. ત્યારબાદ કૃષ્ણસિંહ અને હુ કૃષ્ણસિંહના ઘરે જતા રહ્યા હતા અને ફળિયામા હીંચકા પર બેઠા હતા ત્યારે કૃષ્ણસિંહ ફાકી ખાતા હોય અને તે દરવાજો ખોલીને ગેટની બહાર પગથિયા ઉપર ઊભા રહીને શેરીમા થૂંકવા જતા શેરીમાં દેકારો થતા તેણે આમ શેરીમાં નજર કરી મને કહેલ કે, આ આપણે લપ થઈતી તે લોકો પાછા આવી ગયા છે.

‘મને ધક્કો મારી કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા’

તે લોકો ગાળાગાળી કરવા લાગતા કૃષ્ણસિંહ શેરીમા ગયા અને સામેથી એક છોકરો તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે આ જો અમારો બાપ આવી ગયો એટલુ કહેતા તેના પિતાએ તેના હાથમા રહેલ બંદુકથી હવામાં ફાયરિંગ કર્યા અને કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના રાજવીર સહિત બે કૃષ્ણસિંહની સાથે મારામારી કરવા લાગ્યા હતા અને બોલતા હતા કે પપ્પા આને ૫તાવી જ દયો. આપણું નામ જ કેમ લીધુ, આ લોકોએ. આમ કહી કૃષ્ણસિંહને ત્રણેય જણા મારવા લાગ્યા અને હુ પણ આ દરમિયાન વચ્ચે પડ્યો, પરંતુ રણજીતે મને ધક્કો મારી કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા.

‘નજીક ન આવતો નહી તો ઉડાડી દઈશ’

ત્યારબાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરા બુમો પાડતા હતા કે પપ્પા આને મારી જ નાખો હજી ગોળી મારો આ જીવતો ન રહેવો જોઈએ. એટલામાં હુ દોડીને મારા માસાને બોલાવવા ગયો અને મારા માસા પણ ઘરમાંથી બહાર શેરીમા આવ્યા અને આ બનાવ સમયે અવાજ થતા બાજુમા રહેતા કૃષ્ણસિંહના દાદા રહેન્દ્રસિંહ બહાર આવ્યા અને એ પણ વચ્ચે પડવા જતા આ રણજીતે તેના હાથમા રહેલ બંદુક તેમના માથામા મારી તેમને ઈજા કરી હતી. એટલામાં દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતા રણજીતે તેના હાથમાં રહેલી બંદુક દિગ્વિજયસિંહ સામે તાકીને કહેલ કે નજીક ન આવતો નહી તો ઉડાડી દઈશ.

‘કૃષ્ણસિંહના માથામાંથી લોહી નીકળતુ હતું’

એટલી વારમા કિરીટસિંહ તેના હાથમા પાઈપ લઈને આવ્યા અને રણજીતને શરીરના ભાગે બે ત્રણ પાઈપ મારી દીધા, ત્યારબાદ રણજીત તેમજ તેના બંને દીકરા પાર્કિંગ બાજુ ભાગી ગયા હતા. ત્યારબાદ કૃષ્ણસિંહના માથામાંથી લોહી નીકળતુ હોય અને આખો ઢાળી દીધી હતી. જેથી અમે ઝડપથી ખાનગી ગાડીમા ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉકટરે મારા ભાઈ કૃષ્ણસિંહને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ કૃષ્ણિસિંહના પીતરાઇ દાદા રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને પણ ગીરીરાજ હોસ્પીટલમા સારવારમાં દાખલ કર્યા છે હાલ તેની સારવાર ચાલુ છે.

‘રણજીતે રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઈજા કરી’

આ રણજીત વાળા તથા રાજવીર સહિત ત્રણ લોકોએ મારા ભાઈ કૃષ્ણસિંહ તથા રહેન્દ્રસિંહને સામાન્ય બોલાચાલીનો ખાર રાખી રાજવીર વાળાએ તાત્કાલિક તેના પપ્પા રણજીત વાળાને બોલાવી રણજીત વાળાએ પોતાના હાથમા ગેરકાયદે બંદુક ધારણ કરી મારી નાખવાના ઇરાદે તેમની પાસે રહેલ બંદુકમાથી ફાયરિંગ કરી મારા ભાઈ કૃષ્ણસિંહને પેટમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું તેમજ તેના બંને દીકરાએ આને મારી જ નાંખો આ જીવતો ના રહેવો જોઈએ તેમ કહી કૃષ્ણસિંહ સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત રણજીતે રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments