સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડ હેઠળની નાનુડી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે લીલા લાકડાના પરિવહન સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મળેલ બાતમીના આધારે થોરડી-ધનશ્યામનગર રોડ પરથી પાસ-પરમીટ વગર પસાર થતી લીલા લાકડાથી ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડ સ્ટાફને બાતમી મળી હતી કે થોરડી રેવેન્યુ વિસ્તારમાંથી એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે લીલા લાકડાનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને થોરડી-ધનશ્યામ નગર રોડ પર વાહન નંબર ૠઉં 23 અઝ 9256 ને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાં મોટી માત્રામાં લીલા લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પરંતુ સંબંધિત લાકડાના પરિવહન માટે જરૂરી પાસ-પરમીટ રજૂ કરવામાં ન આવતા વાહન તથા જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.
વન વિભાગે કાર્યવાહી દરમિયાન ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા સલીમભાઈ બચુભાઈ ગોરીને ઝડપી પાડી તેમની સામે વન કાયદા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત એડવાન્સ રિકવરી પેટે રૂ. 20,000 ની રકમ પણ વસુલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાના પરિવહન અને જંગલ સંપત્તિના નુકસાન સામે સતત ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

