અમરેલી શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવાના મંત્રી કૌશિક વેકરીયાના સંકલ્પને હવે નવો વેગ મળતો જોવા મળી રહ્યો છે. આપણું અમરેલી, સ્વચ્છ અને સુંદર અમરેલીના સૂત્ર સાથે અમરેલી નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી સફાઈ કામગીરીની સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સાંભળતાની સાથે એક્શન મોડમાં આવી જાહેર રોડ-રસ્તા તેમજ ધાર્મિક સ્થળોએ પહોંચીને પ્રમુખે સફાઈ વ્યવસ્થાની જાતે ચકાસણી કરી હતી અને સ્થાનિક લોકો પાસેથી સફાઈ અંગેના પ્રતિસાદ પણ મેળવ્યા હતા. શહેરમાં સ્વચ્છતા વધુ મજબૂત બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના એસ.આઈ આનંદભાઈ ઠાકર, સુપરવાઇઝર હરેશભાઈ ભંડેરી તેમજ એજન્સી સુપરવાઇઝર પરેશભાઈ અને વિશાલભાઈ હાજર રહ્યા હતા. સફાઈ કામદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી સાધનો અને સુવિધાઓ અંગે માહિતી લેવામાં આવી હતી.
અમરેલી શહેરને સ્વચ્છતા અને સુવિધાના નવા ધોરણો તરફ આગળ વધારવા માટે નગરપાલિકા હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે.

