રાજકોટ શહેર PCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રક નંબર એચઆર.38.વી.4961ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન ટ્રક ચાલક થાનસિંહ તોતારામ કુશવાહ અને તેની સાથેના અન્ય એક શખ્સ ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના મનીયા તાલુકાના રહેવાસી છે જયારે આ ગુનામાં અન્ય એક આરોપી સુમન ઔતારસિંગ ગુર્જરનું નામ પણ ખુલ્યું છે જે હાલ પોલીસ પકડથી દૂર છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી કુલ 34.74 લાખનો વિદેશી દારૂ ઉપરાંત રૂ.10 લાખનો ટ્રક મળી કુલ રૂ.44,79,912નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

