અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના હાથસણી રોડ ઉપર આવેલું ‘માનવ મંદિર’ ખાતે માનવતાની અનોખી સેવા માટે સમગ્ર પંથકમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. અહીં છેલ્લા અનેક વર્ષોથી મનોરોગી અને નિરાધાર બહેનોની સેવા કરવામાં આવે છે. તેમને સારવાર, સ્નેહ અને સંસ્કાર આપીને ફરી સમાજમાં પુન:સ્થાપિત કરવામાં આવે છે. આ માનવ સેવા પાછળ અનેક સેવાભાવી લોકોનો ફાળો રહ્યો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અહીં એક મહિલાની નિ:સ્વાર્થ સેવા સૌનું ધ્યાન ખેંચી રહી છે. આ મહિલાનું નામ છે. ઇલાબેન અગ્રાવત. આ ઇલાબેન અગ્રાવત મૂળ અમરેલી જિલ્લાના જ માણાવદર ગામ નજીક આવેલ શેરડી ગામના રહેવાસી છે. અને તેઓ પોતાના પતિ સાથે આજથી અંદાજે છ વર્ષ પહેલા સાવરકુંડલા શહેરમાં એક પારિવારિક કામસર આવ્યા હતા. તે દરમિયાન તેઓ માનવ મંદિર આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મનોરોગી બહેનો માટે થતી નિસ્વાર્થ સેવા, તેમનો સંભાળ અને પુન:સ્થાપનની કામગીરી જોઈ તેઓ ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા.
ત્યાર બાદ પતિ-પત્નીએ અહીં સેવા આપવાનો નિર્ણય કર્યો હતો. અને માનવ મંદિર સાથે જોડાઈ ગયા હતાં.સમય જતાં ચાર વર્ષ પહેલા ઇલાબેનના પતિનું નિધન થયું હતું. જીવનમાં મોટો આઘાત આવ્યો હોવા છતાં પણ ઇલાબેને સેવા છોડવાની જગ્યાએ માનવ મંદિરને જ પોતાનું ઘર બનાવી લીધું. આજે તેઓ દિવસ-રાત આશ્રમમાં રહી મનોરોગી બહેનોની ’માં’ બની સેવા આપી રહ્યા છે. પોતાની વ્યક્તિ ગત પીડાને પાછળ મૂકી તેમણે જીવન માનવસેવાને સમર્પિત કરી દીધું છે. ઇલાબેન જણાવે છે કે, તેમને પોતાનું કોઈ સંતાન નથી. તેથી માનવ મંદિરમાં રહેતી દરેક દીકરીને તેઓ પોતાની દીકરી સમજે છે. આશ્રમમાં હાલ 55થી પણ વધુ બહેનો રહે છે. અને તમામની દેખરેખ, ભોજન, દવાઓ,સ્વચ્છતા અને લાગણીસભર સંભાળ ઇલાબેન ખૂબ પ્રેમથી રાખે છે. સવારે ઉઠાડવાથી લઈને રાત્રે સુવાડવા સુધીની દરેક જવાબદારી તેઓ માતૃત્વભાવથી નિભાવે છે. માનવ મંદિર માત્ર આશ્રય સ્થાન જ નથી, પરંતુ અહીં મનોરોગી બહેનોને નવજીવન આપવામાં આવે છે. યોગ્ય સારવાર, પ્રેમ અને સતત સંભાળથી અત્યાર સુધીમાં 130 થી વધુ બહેનો સંપૂર્ણ સ્વસ્થ બની ફરી પોતાના પરિવાર અને સમાજ સાથે જોડાઈ શકી છે.આ સફળતાઓ પાછળ ઇલાબેન જેવી સેવાભાવી મહિલાની મહેનત અને સમર્પણ મોટો આધાર બની રહ્યા છે. આશ્રમમાં ઘણી બહેનો એવી પણ આવે છે.જેઓ રસ્તા પર ભટકતી હાલતમાં મળી આવે છે. અથવા તો પરિવારથી વિખૂટા પડી ગયા હોય છે. શરૂઆતમાં તેઓ અસ્વસ્થ અને ડરી ગયેલી સ્થિતિમાં હોય છે, પરંતુ ધીમે ધીમે ઇલાબેનના પ્રેમાળ વર્તન અને સતત સેવા દ્વારા તેઓ સામાન્ય જીવન તરફ પાછા વળે છે. ઘણી બહેનો ઇલાબેનને માં કહી સંબોધે છે, જે તેમની સેવાનું સાચું પ્રતિબિંબ છે. આજના સ્વાર્થભર્યા સમયમાં જ્યાં લોકો પોતાના માટે પણ સમય કાઢી શકતા નથી, ત્યાં ઇલાબેન અગ્રાવત છેલ્લા ચાર વર્ષથી 24 કલાક માનવસેવામાં સમર્પિત રહ્યા છે. તેમની સેવા માત્ર સાવરકુંડલા કે અમરેલી જિલ્લા માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. માનવ મંદિર અને ઇલાબેન જેવી સેવાભાવી વ્યક્તિઓ સાબિત કરે છે કે, સાચી માનવતા આજે પણ જીવંત છે.

