PM મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લેશે. ત્યાર બાદ વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે.
આ ઉપરાંત તેઓ ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો પણ કરશે. આ પહેલાં તેઓ ઓપરેશન સિંદૂર બાદ મે, 2025માં વડોદરા આવ્યા હતા. જ્યારે ગુજરાતની મુલાકાતે 31 માર્ચ-2026ના રોજ આવ્યા હતા. આમ તેઓ એક મહિનામાં જ બીજીવાર ગુજરાત આવ્યા છે.
રોડ શોને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા માર્ગ પર આશરે 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સજાવટ રોડ શોની આકર્ષણ વધારશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની ઝાંખી રોડ શોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરવામાં આવ્યા છે.
ગરમીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ અને લોકો માટે પાણી તેમજ ORSની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડોદરાના નાગરિકો આખા રૂટ દરમિયાન વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કરશે. રોડ-શોના રૂટ પર કુલ 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પરથી દેશના અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ રોડ શોમાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત હશે. આ સાથે રોડ શોના રૂટ પર વિવિધ પોસ્ટર બેનર સાથે અદભૂત લાઇટિંગ કરવામાં આવ્યું છે. સાથે રોડની બંને બાજુ થ્રી લેયરમાં બેરિકેડિંગ જોવા મળી રહ્યું છે.
PM મોદી અને સરદાર પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રોડ શો સાંજના સમયે હોવાથી રૂટ પર અદભૂત થીમ બેઝ લાઇટિંગ અને શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ઠેર ઠેર પોસ્ટર બેનર્સ, વીજ પોલ પર લાઇટિંગ, LED સ્ક્રીન્સ, થીમ બેઝ લાઇટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભભાઇ પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિ સહિતના આકર્ષણો જોવા મળી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરા જ્યારે વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની કમી ન રહે તે પ્રકારની વ્યવસ્થામાં વ્યસ્ત છે.
સરદારધામમાં વિશાળ ડોમ અને સ્ટેજ તૈયાર જ્યાં વડાપ્રધાન સભાને સંબોધવાના છે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવેથી અંદર જતા આસપાસના વિસ્તારને ગ્રીન નેટથી ઢાળવામાં આવ્યો છે. સાથે રૂટ પર દર સો મીટરે એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. સભા સ્થળે ડોમમાં ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે.
ડોમમાં ગરમી વચ્ચે કુલર, સ્પ્રિંકલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. લોકો બેસી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પછાડ સીધી લોકો વડાપ્રધાનના સંબોધનને જોઈ અને સાંભળી શકે તે માટે LED સ્ક્રીન લગાવવામાં આવી છે.
સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ, રોડની બંને બાજુ બેરીકેડિંગ કરી દેવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં સંબોધન બાદ પરત એરપોર્ટ આવતા ગોલ્ડન ચોકડીથી ગદા સર્કલ પહોચી એરપોર્ટ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. ત્યારે આ સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવા આવ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુ બેરીકેડિંગ કરી દેવામાં આવ્યા છે. જેમાં લોકો ઊભા રહીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે અને તેઓને પશ્ચિમ બંગાળની જીત બદલ અભિનંદન પાઠવશે. આ ઉપરાંત ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે વડાપ્રધાન પણ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરશે.
સુરક્ષા વ્યવસ્થામાં 1500થી વધુ જવાનો તૈનાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ બંદોબસ્તમાં વડોદરા શહેર પોલીસના તમામ વિભાગોને જોતરી દેવામાં આવ્યા છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 1600થી વધુ જવાનો તૈનાત રહેશે. જેમાં 1 જેસીપી, 1 એડી.સીપી, 10 ડીસીપી, 15 એસીપી, 24 પીઆઈ અને 81 પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તનું નેતૃત્વ કરશે. સાથે 965 એએસઆઈ/એચસી/પીસી અને 317 ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ પર તૈનાત રહેશે. આ સાથે સુરક્ષામાં ચેતક કમાન્ડોની 2 ટીમ, એસઆરપીએફની 2 કંપની અને 500 હોમગાર્ડના જવાનોને સામેલ કરાયા છે.
4.75 લાખ સ્ક્વેર ફૂટના સંકુલમાં પથરાયેલું છે સરદારધામ-3 વડોદરાના આંગણે આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મેના રોજ કરવામાં આવશે

