પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીએ દિકરાને જન્મ આપ્યો હોવાની ખબરથી ચકચાર; બાળક ગુમ થતા માતા, સંબંધિ સાથે મળીને કાવતરાનો આક્ષેપ
ગોસા(ઘેડ) તા.૦૭/૦૫/૨૦૨૬
પોરબંદર જિલ્લાના ચિંગરીયા ગામે રહેતા વિપુલભાઈ કાનાભાઈ વાસણ (ઉ.વ.૩૨) દ્વારા પોતાની પત્ની સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, વિપુલભાઈના લગ્ન વર્ષ ૨૦૧૭માં જાગૃતી સાથે થયેલા હતા અને તેમને એક પુત્ર છે. લગ્ન પછી શરૂઆતમાં દાંપત્ય જીવન સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ બાદમાં પત્ની જાગૃતી અન્ય વ્યક્તિઓ સાથે ફોન પર વાતચીત કરતી હોવાના કારણે બંને વચ્ચે મતભેદ સર્જાયા હતા.
આ કારણે જાગૃતી લગભગ પોણા બે વર્ષથી પોતાના પિયર મંડેર ગામે રહેતી હતી અને તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ સંપર્ક કે સંબંધ રહ્યો ન હોવાનું વિપુલભાઈએ જણાવ્યું છે.
ગત તા.૨૨/૦૪/૨૦૨૬ના રોજ વિપુલભાઈને તેમની માતા દ્વારા માહિતી મળી કે જાગૃતીને દિકરાનો જન્મ થયો છે અને તે માધવપુર સરકારી હોસ્પિટલમાં દાખલ હતી. આ જાણકારી મળતા વિપુલભાઈ અને તેમની માતા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરે જન્મની પુષ્ટિ કરી અને બાળકના પિતાના નામે વિપુલભાઈનું નામ નોંધાયેલ હોવાનું જણાવ્યું.
પછી વધુ સારવાર માટે જાગૃતીને પોરબંદર લેડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાંથી જાગૃતી તેની માતા દુધીબેન અને સંબંધીએ મળીને બાળકને લઇને ડોક્ટરને જાણ કર્યા વગર જતી રહી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી દ્વારા કરાયેલ ખાનગી તપાસમાં બાળક હાલ જાગૃતી પાસે ન હોવાનું જણાતા ગંભીર શંકા ઉઠી છે કે, જાગૃતી, તેની માતા દુધીબેન અને સંબંધિ હિતેશ ખીમાભાઈ ડાકીએ મળીને નવજાત બાળકની હત્યા કરી હોવાની શક્યતા છે.
આ સમગ્ર મામલે વિપુલભાઈએ ત્રણેય વિરુદ્ધ કાવતરું રચી નવજાત શિશુની હત્યા કરવા અંગે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ફરીયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ

