કુતીયાણાના માધાભાઇ અને તેના બે પુત્રો તેમજ મુખ્ય સૂત્રધાર આણંદના વિશાલકુમાર નંદકિશોર અનાવત વિરૂધ્ધ વિદેશ મોકલવાના નામે છેતરામણીની થઈ હતી ફરિયાદ
ગોસા(ઘેડ) તા.૦૬/૦૫/૨૦૨૬
હાલ પોરબંદર પંથકમાં વિદેશ જવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. પરંતુ યોગ્ય તપાસ કર્યા વિના અને સાચું-ખોટું જાણી લીધા વગર વિદેશ જવાની ઉતાવળમાં અનેક યુવાનો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે. પોરબંદર પંથકમાં આવી છેતરપીડીની અંદાજે ૨૫ થી ૩૦ જેટલી ફરીયાદો નોંધાઈ ચૂકી છે.
આ જ પ્રકારના એક મામલામાં રાણાવાવ વિસ્તારના કાનાભાઈ મુંજાભાઈ મારૂ સહિત ૧૧ લોકોએ કુતીયાણા નિવાસી માધાભાઈ રાજાભાઈ રાઠોડ, તેમના બે પુત્રો તેમજ આણંદના વિશાલ કુમાર નંદકિશોર અનાવત વિરુદ્ધ રૂ.૮૦ લાખથી વધુની છેતરપીડીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા માધાભાઈ અને તેમના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કેસનો મુખ્ય સુત્રધાર ગણાતા વિશાલકુમાર અનાવત હજુ ફરાર છે.
ફરીયાદ મુજબ તમામ વાતચીત માધાભાઈ સાથે થઈ હતી અને રકમ પણ તેમને જ આપવામાં આવી હતી. જોકે, બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે વિદેશ મોકલવા માટેના એગ્રીમેન્ટ વિશાલકુમાર અનાવત દ્વારા નોટરી સમક્ષ કરવામાં આવ્યા હતા અને મોટાભાગની રકમ બેંક તથા કુરિયર મારફતે સીધી વિશાલકુમારને જ મોકલવામાં આવી હતી.
વધુમાં દલીલ કરવામાં આવી કે માધાભાઈ માત્ર એજન્ટ તરીકે કાર્યરત હતા અને વિદેશ મોકલવાની સમગ્ર પ્રક્રિયા તથા જવાબદારી વિશાલકુમાર અનાવતની હતી. કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેમજ અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, તે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું.
બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈ પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્માએ માધાભાઈ રાજાભાઈ રાઠોડને શરતોના આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી પક્ષ તરફથી એડવોકેટ દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી અને રમેશ ગોઢાણીયા રોકાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
