આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી ભારે અસ્થિરતા અને પરૂમિ એશિયામાં (મધ્ય પૂર્વ) વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવા લાગી છે. મંગળવારે સવારે દેશની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. સામાન્ય લોકો માટે આ મોટો ઝટકો છે, કારણ કે તેલ કંપનીઓએ ગયા શુક્રવારે (15 મે) લગભગ રૂા.3 પ્રતિ લિટરનો નોંધપાત્ર વધારો લાગુ કરી દીધો હતો. એક જ અઠવાડિયામાં ઇંધણના દરમાં આ બીજો મોટો વધારો છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે રોજિદી વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા ભાવ સુધારા બાદ આજે અમદાવાદમાં 98.30 રૂપિયા, સુરતમાં 98.42 રૂપિયા, વડોદરામાં 98.01 રૂપિયા ભાવ છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂા.98.64 પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પ્રતિ લિટર રૂા.91.58 પર પહોંચી ગયું છે. દરમિયાન, નાણાકીય રાજધાની મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂા.107.59 અને ડીઝલ પ્રતિ લિટર રૂા.94.08 પર વેચાણ થઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂા.109.70 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂા.96.07 નોંધાયો છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂા.104.49 અને ડીઝલ પ્રતિ લિટર રૂા. 96.11 પર પહોંચી ગયું છે.
પાંચ જ દિવસમાં તેલ કંપનીઓએ સતત બીજી વખત ભાવ વધારો કર્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્ય સાથે, સ્થાનિક ઇંધણના ભાવને સીધી અસર કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આગામી દિવસોમાં પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની અસર શાકભાજી, દૂધ, કરિયાણા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ જોવા મળી શકે છે.
પેટ્રોલીયમ વિક્રેતાઓ એવો સૂર દર્શાવી રહ્યા છે કે ક્રૂડમાં ઉંચા ભાવને કારણે તેલ કંપનીઓને જંગી ખોટ છે. અગાઉ રાજકીય કારણોસર ભાવ દબાવી રખાયા હતા. ગત સપ્તાહમાં 3 રૂપિયા વધારાતા ઉહાપોહ સર્જાયો હતો.
મોટો ભાવ વધારો થાય તો લોકોમાં રોષ વકરી શકે. આ સંજોગોમાં દૈનિક ભાવ બદલાવની અગાઉની નીતિ અપનાવવામાં આવ્યાની શંકા છે. રોજેરોજ થોડો થોડો ભાવવધારો થવાની શક્યતા નકારાતી નથી.
બજાર વિશ્લેષકો એમ પણ જણાવી રહ્યા છે કે, આ ભાવ વધારો વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજદ્વારી અને લશ્કરી કટોકટીનું સીધું પરિણામ છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા સપ્લાય રૂટમાં સંભવિત વિક્ષેપો અંગેની આશંકાઓ સાથે – આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ડોલર 100 ની ઉપર છે.

