દેશભરમાં ડુપ્લીકેટ દવાઓના વેંચાણને અટકાવવા અને દર્દીઓને અસલી દવા મળી રહે તે માટે તા. ર.0ને બુધવારે સમગ્ર દેશના કેમીસ્ટ વેપારીઓ સાથે રાજકોટ સહિત રાજયના મેડીકલ સ્ટોરના વેપારીઓ આ આહવાનને સમર્થન પુરૂ પાડી મેડીકલ સ્ટોર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશન દ્વારા પણ દવા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશને જણાવ્યા મુજબ દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં વધતી ગેરરીતિઓના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજૂરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોના ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શક્યતા, દર્દીઓની ગોપનીય માહિતીનો દુરુપયોગ તેમજ સમયસીમા પૂર્ણ થયેલી કે નકલી દવાઓના વેચાણનો ભય વધી રહ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે. આથી GSR 817(ઊ)ને પાછું ખેંચી કડક નિયંત્રણ લાદવાની માંગ કરવામાં આવી છે.
તેમજ GSR 220(ઊ) તા.26-03-2020 હેઠળ સ્પ્યુરિયસ અને નકલી દવાઓના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર સપ્લાય ચેઇન અને શંકાસ્પદ સ્ત્રોતોથી દવાઓના પ્રવેશને કારણે નકલી દવાઓનો ખતરો વધ્યો છે, જે દર્દીઓના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બની શકે છે.
કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે મોટા કોર્પોરેટ ગ્રુપ અને ઓનલાઈન પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે નાના અને મધ્યમ કેમિસ્ટોના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. સાથે જ સસ્તી દવાઓના નામે ગુણવત્તા અને સેવા ઉપર પણ પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. એસોસિએશને દર્દીઓને પડતી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ દર્દીઓના હિત, અસલી દવાઓની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા આ પગલું જરૂરી હોવાનું જણાવ્યું છે.
રાજકોટ કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ એચ. જાડેજા અને માનદ મંત્રી અનિમેષભાઇ એમ. દેસાઇએ જણાવ્યું છે કે તા. ર0મીનાં રોજ બંધને ધ્યાનમાં રાખી પોતાની જીવન જરૂરી દવાઓ અગાઉથી મેળવી રાખવી ઇમરજન્સી માટે 1પ મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે ઉપરાંત મેડીકલ એસો.ના કારોબારીના પાંચ સભ્યોનો સંપર્ક સાધવાથી દવાની જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. દેશવ્યાપી લડતને કેમીસ્ટ એસો. રાજકોટ પુરતુ સમર્થન પુરૂ પાડી બંધમાં જોડાશે.

