અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ રૂ. 620 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં પેથાપુર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, લાયબ્રેરી, પીએસસી-સીએસસી કેન્દ્રો, અને સીમેન્ટના રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
તેમણે ગુજરાત સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે શહેરના નાગરિકોની સુખાકારી માટે ગટરના પાણીના શુદ્ધિકરણ, તળાવોના બ્યુટીફિકેશન, નર્મદાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોંચાડવા અને યોગ કેન્દ્રો જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
અહંકાર નહીં આત્મવિશ્વાસ એ અમારી સરકારની ઓળખ છે તેમ કહેતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી છે. ફૂડ કિટ પહોંચાડવાથી લઈને વેક્સિનેશનની વ્યવસ્થા સુધીની કામગીરીએ જનતામાં પક્ષ પ્રત્યે અતૂટ વિશ્વાસ જગાડ્યો છે.તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનો વિજય એ જનતાનો વિકાસ પરનો ભરોસો છે.
તેમણે બંગાળની સ્થિતિ અને વિકાસની સરખામણી કરતા જણાવ્યું કે, આજે દેશના 80 ટકા વિસ્તારમાં ભાજપ અને એનડીએની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર એનડીએ સરકાર બની છે જે કાર્યકરોની તપસ્યા અને પરિશ્રમનું પરિણામ છે.
તેમણે ગાંધીનગરને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવા અને સૌથી સુંદર અને સુવિધાયુક્ત લોકસભા વિસ્તાર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શહેરોના ડેવલપમેન્ટ પ્લાનિંગમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ગ્રીન એન્વાર્યમેન્ટ વાળા પોલ્યુશન ફ્રી, ગાર્બેજ ફ્રી અને સ્લમ ફ્રી સિટી બને તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
આ નિર્ધાર અને વિઝનને અનુરૂપ હવે નાના શહેરો અને તેની આસપાસના વિસ્તારને સિટી ઇકોનોમિક રિજન તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલે, મ્યુનિ.કમિશનર જે.એન.વાઘેલા, ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

