રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ઐતિહાસિક ડિમોલિશન ઓપરેશનનો વિવાદ હવે શમવાને બદલે વધુ ઘેરો બની રહ્યો છે. શહેરના ઇતિહાસના સૌથી મોટા આ ડિમોલિશન અભિયાનમાં થયેલા ખર્ચ અંગે રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, અને વિપક્ષ કોંગ્રેસે સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.
શું હતું ઓપરેશન?
આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ગતિ આપવા માટે તંત્રએ જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં વર્ષોથી ઊભા થયેલા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી હતી. આજી નદીના કાંઠે આવેલી અંદાજે 400 કરોડ રૂપિયાની કિંમતી જમીન પર વર્ષો જૂના 1350 જેટલા મકાન અને દુકાન ધારકોને મિલકતો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ પાલિકાની ટીમો બુલડોઝર અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે જંગલેશ્વર પહોંચી અને સરકારી જમીન પરના વર્ષો જૂના બાંધકામો તોડવાનું શરૂ કર્યું. કાર્યવાહી માટે સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી, દરેક ઝોનની દેખરેખ ક્લાસ-વન અધિકારીને સોંપવામાં આવી હતી.
નાસ્તા-પાણીના બિલે મચાવ્યો હોબાળો
ડિમોલિશન પૂર્ણ થયા બાદ તેના ખર્ચનો મુદ્દો મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો. ત્રણ દિવસ ચાલેલા ડિમોલિશન દરમિયાન અધિકારીઓ અને પોલીસકર્મીઓના નાસ્તા-ભોજનનું બિલ 27 લાખ રૂપિયાથી વધુ થયું હોવાનું સામે આવ્યું, જેમાં એક ડિશ નાસ્તાનો ભાવ 231 રૂપિયા જેટલો નોંધાયો. કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્દે જનરલ બોર્ડમાં વિરોધ નોંધાવ્યો, પરંતુ તેમના સવાલોના જવાબ આપવાને બદલે તેમને બોર્ડમાંથી બહાર કાઢવાનો આદેશ અપાયો હોવાનો આક્ષેપ સ્થાનિક કોર્પોરેટરોએ કર્યો. હાલ સ્ટેન્ડિંગ કમિટીએ આ વિવાદાસ્પદ બિલને ચૂકવણી માટે અટકાવી દીધું છે.
વીડિયોગ્રાફી કોન્ટ્રાક્ટમાં પણ ગોલમાલ?
ખર્ચ વિવાદનું બીજું પાસું વીડિયોગ્રાફી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલું છે. ડિમોલિશન કામગીરી દરમિયાન વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ બાલાજી સ્ટુડિયોને અપાયો હતો, અને તેના સંચાલક પર મનપાના અધિકારીઓ સાથે મળીને મોટા પાયે આર્થિક ગેરરીતિ આચરવાનો આક્ષેપ થયો છે. ઓનલાઈન મની ટ્રાન્સફરના કેટલાક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલો વધુ ચર્ચામાં આવ્યો. આક્ષેપો અનુસાર, કોન્ટ્રાક્ટરે એક કેમેરામેન દીઠ પાલિકા પાસેથી 8000 રૂપિયાનું વળતર વસૂલ્યું હોવાના પુરાવા સામે આવ્યા છે.
જોકે કોન્ટ્રાક્ટરે પોતાનો બચાવ કરતા તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના કહેવા મુજબ વર્ષ 2024થી તેમનો પાલિકા સાથે કાયદેસરનો કરાર છે અને કોર્ટની માર્ગદર્શિકા મુજબ જ સમગ્ર વીડિયોગ્રાફી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
કુલ ખર્ચ 3 કરોડને પાર પહોંચવાની આશંકા
વિપક્ષના નેતાઓએ ભાજપના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જનતાના કરના નાણાંનો વેડફાટ થયો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા પણ શંકાના દાયરામાં મુકાઈ છે. વિપક્ષે કટાક્ષ કરતા જણાવ્યું કે ડિમોલિશન જેવી કામગીરી પાછળ વીડિયોગ્રાફી, ખાણીપીણી અને પાણી પાછળ એવો ખર્ચ કરાયો જાણે કોઈ મોટો લગ્નપ્રસંગ ઉજવાઈ રહ્યો હોય. સમગ્ર કામગીરીનો કુલ ખર્ચ 3 કરોડ રૂપિયાને પાર પહોંચે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે, જેના પગલે તટસ્થ તપાસની માંગ જોર પકડી રહી છે.
રાજકીય અસર પણ દેખાઈ
જંગલેશ્વર ડિમોલિશનની અસર માત્ર નાણાકીય સ્તરે જ નહીં, રાજકીય સ્તરે પણ જોવા મળી. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરમાં ભાજપ આગળ રહ્યું હોવા છતાં, જંગલેશ્વર વિસ્તાર આવતા વોર્ડ નંબર 16માં પક્ષને ચારેય બેઠકો ગુમાવવાનો વારો આવ્યો, અને સ્થાનિક નારાજગીના કારણે કોંગ્રેસનો ભવ્ય વિજય થયો.
હવે અમીન માર્ગ પર તંત્રની નજર
જંગલેશ્વર બાદ તંત્રએ હવે વેસ્ટ ઝોન હેઠળ આવતા પોશ વિસ્તાર અમીન માર્ગ પર પણ ડિમોલિશનની તૈયારી શરૂ કરી છે, જ્યાં 50 વર્ષથી વધુ સમયથી રહેતા સ્થાનિકોને માત્ર 15 દિવસમાં જગ્યા ખાલી કરવાનો આદેશ અપાયો છે. સ્થાનિકોએ આ કામગીરી ચોમાસા બાદ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે.
