રાજકોટના ઐતિહાસિક જ્યુબેલી શાકમાર્કેટ ભાગ-1 ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.29 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ માટે મંજૂર થયેલ ટેન્ડર સામે માર્કેટના વૈપારીઓમાં ભારે અસંતોષ અને વિરોધ નોંધાયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ હાલ માર્કેટમાં માત્ર સામાન્ય રિનોવેશન દ્વારા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેવી પરિસ્થિતિ છે, છતાં આટલી મોટી રકમના ખર્ચનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, જે જાહેર નાણાંનો બિનજરૂરી વ્યય ગણાય છે.
વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય લેતા પહેલાં ના તો એસ્ટેટ વિભાગ સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવી હતી અને ના તો માર્કેટના વેપારીઓની કોઈ સલાહ લેવામાં આવી હતી.
ખાસ નોંધનીય બાબત એ છે કે હાલ માર્કેટમાં મોટા પ્રમાણમાં સ્ટોલ ખાલી છે, છતાં પણ ખર્ચાળ બાંધકામ માટે આગળ વધવામાં આવી રહ્યું છે. જે વેપારીઓના રોજગાર ઉપર સીધી અસર કરી શકે છે.
વેપારીઓની મુખ્ય માંગણીઓ છે કે, રૂ.29 કરોડના ટેન્ડરને તાત્કાલિક રદ કરવામાં આવે માત્ર જરૂરી રિનોવેશન દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
સફાઈ, લાઈટ, પાણી અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવામાં આવે.
વેપારીઓને સ્થળાંતર કરવા માટે મજબૂર ન કરવામાં આવે.
કોઈપણ નિર્ણય પહેલાં વેપારીઓ સાથે ચર્ચા ફરજિયાત કરવામાં આવે.
વેપારીઓએ ચેતવણી આપી છે કે જો આ મદ્દે યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય નહીં લેવાય તો તેઓ આગામી સમયમાં વધુ તીવ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.
જાહેર હિતને ધ્યાનમાં રાખીને પારદર્શક અને જવાબદાર નિર્ણય લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

