દશેલા ગામ ખાતે આવેલી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહના વરદ હસ્તે આગામી તા. 17 મે 2026, રવિવારના રોજ લોકાર્પણ કરાશે.
અંદાજિત રૂપિયા 128 કરોડના ખર્ચે બનેલા આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લીટર છે, જેને જરૂર મુજબ 5.0 લાખ લીટર પ્રતિ દિવસ સુધી વિસ્તારી શકાય છે. આ પ્લાન્ટના લોકાર્પણ બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા 5.0 લાખ લીટર પ્રતિ દિવસ સુધી વધશે, જેના કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે.
નવીન ડેરી પ્લાન્ટ થકી મધુર ડેરી સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકો અનેક ફાયદાઓ થશે જેમાં મુખ્યત્વે જિલ્લાના દૂધ ઉત્પાદકોનું તમામ દૂધ મધુર ડેરી પ્રોસેસ કરી શકશે, જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી શકશે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ થશે.અમુલ ફેડરેશન (GMMF) માટે નવી દૂધની બનાવટો બનાવવા ક્ષમતા વધશે.
ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., મધુર ડેરી, અમુલ ફેડરેશન (GCMMF) સાથે સંકળાયેલી સહકારી ડેરી છે, જે જિલ્લાનાં દૂધ ઉત્પાદકોને આર્થિક વિકાસ અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધુર અને અમુલ બ્રાંડ હેઠળ વ્યાજબી ભાવે દૂધ ઉત્પાદનો પૂરા પાડવા માટે સતત કાર્યરત છે. મધુર ડેરીની સ્થાપના તા. 06-02- 1971 ના રોજ સહકારી કાર્યકરોના સહયોગથી માત્ર 4 દૂધ મંડળીઓ દ્વારા કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ મંડળીઓ દ્વારા પ્રતિદિન સરેરાશ માત્ર 6,433 લિટર દૂધ સંપાદન થતું હતું, જેમાં ક્રમશ: વધારો થતો રહ્યો અને હાલ પ્રતિદિન 2,76,000 લિટર (સરેરાશ વર્ષ 2025-2026) દૂધનું સંપાદન કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ રૂપિયા જેટલું હતું. પરંતુ સતત મહેનત, ગુણવત્તાસભર સેવા અને ગ્રાહકોના વિશ્વાસના કારણે આજે મધુર ડેરીએ અદ્દભુત પ્રગતિ કરી છે. હાલમાં મધુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર વધીને આશરે 6ર8 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે
વ્યાપાર અને સહકારના મોરચે મધુર ડેરીએ છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. લાંબા ગાળાની વિકાસલક્ષી વ્યૂહરચનાના ભાગ રૂપે અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ અને નવી યોજનાઓ દ્વારા ડેરી ઝડપથી વિસ્તરણ કરી રહી છે, જેના પરિણામે જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધતી જઈ રહી છે.

