મોરબી જિલ્લાના હળવદ–ઈગોરાળ રોડ પર આજે એક ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાંથી અચાનક ધુમાડો અને આગના તડકા દેખાતા જ વાહનચાલકે સમજદારી દાખવી કાર સાઈડમાં રોકી દીધી હતી. કારમાં બેઠેલા તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી અને સૌનો સુરક્ષિત બચાવ થયો હતો.
આગ લાગતા રોડ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ મળતાં જ હળવદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપી કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ આગ બુઝાવ્યા બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
