રાજકોટના કાલાવડ રોડ પરની પરિશ્રમ સોસાયટીનાં પ્રમુખ અને સ્થાનિક રહીશો દ્વારા આજે રાજકોટ રૂડાની કચેરી ખાતે એકત્રિત થઈને ગુંડાગીરી કરતા શખ્સ પાસેનું આવાસ ખાલી કરાવવા માંગ કરવામાં આવી હતી. અહીં આવાસના નામે ગેરરીતિ ચાલતી હોવાનો તેમજ 30 ટકા આવાસ ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવ્યા હોય તાત્કાલિક ખાલી કરાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે આવાસમાં ઠેર-ઠેર પોપડા ખરતા હોવાનું જણાવી આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનો મુખ્ય આક્ષેપ એ છે કે રૂડા દ્વારા જે લોકોને ખરેખર ઘરના ઘરની કોઈ જરૂરિયાત નથી, તેવા વગદાર લોકોને નિયમોનો ભંગ કરીને આવાસની ફાળવણી કરી દેવામાં આવી છે.
સોસાયટીના પ્રમુખ નિલેષ મહેતાએ જણાવ્યું હતું કે, પરિશ્રમ સોસાયટીના જે-વિભાગમાં ફ્લેટ નંબર 408 ધરાવતા વિજય ગોંડલિયા નામના વ્યક્તિ અલગ-અલગ નામે સોસાયટીમાં અન્ય 3 થી 4 આવાસના ફ્લેટ ધરાવે છે. આ વ્યક્તિને વાસ્તવમાં કોઈ આવાસની જરૂર નથી, છતાં ગરીબોના હકના મકાનો પચાવી પાડવામાં આવ્યા છે. આ વ્યક્તિ અને તેનો પરિવાર સોસાયટીના એસો. સાથે અવારનવાર નાની-નાની બાબતોમાં ઉગ્ર માથાકૂટ અને ઝઘડા કરે છે તેમજ સોસાયટીના શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરે છે.
છેલ્લા 3 થી 4 દિવસ પહેલાં સોસાયટીના મુખ્ય ગેટ પાસે પીવાના પાણીની પાઇપલાઇનનું સમારકામ ચાલતું હોવાને કારણે મુખ્ય દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન વિજય ગોંડલિયા પોતાની કાર લઈ ત્યાં આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ગાડી સાઈડમાં મૂકીને જૂની અદાવત રાખી એસોસિયેશનના હોદ્દેદારો સાથે ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યા હતા. આ ઘટના બાદ તેમણે એસોસિયેશનના હોદ્દેદારો સામે ખોટી પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, આવી ઘટનાઓ સોસાયટીમાં અવારનવાર બને છે અને આ પૂર્વે 6 મહિના પહેલાં પણ સામસામે આવી જ ફરિયાદો થઈ ચૂકી છે. આ વ્યક્તિ સોસાયટીનું આખું વહીવટી તંત્ર બગાડી રહ્યો હોવાથી તેનાથી કંટાળીને સોસાયટીના અસંખ્ય લોકો આજે રૂડા કચેરીએ દોડી આવ્યા છે. અમારી મુખ્ય માંગણી એ છે કે વિજયભાઈ ગોંડલિયા જેવા લોકો કે જેમને ઘરની કોઈ જરૂરિયાત નથી, તેમનો ફ્લેટ તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવે અને તેના બદલે જે ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો છે તેમને આવાસની ફાળવણી કરવામાં આવે.
ઉપરાંત, સોસાયટીમાં અંદાજે 30% જેટલા આવાસના ફ્લેટો નિયમો વિરુદ્ધ ભાડે આપી દેવામાં આવ્યા છે. સરકારના નિયમ મુજબ આવાસ ફાળવણીના 7 વર્ષ સુધી મકાન ભાડે આપી શકાતું નથી. આ બાબતે રૂડા કચેરીમાં અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા માત્ર નામપૂરતું કે નોર્મલ ચેકિંગ કરીને સંતોષ માની લે છે, જેનાથી સોસાયટીના રહીશોને કોઈ ફાયદો થતો નથી. સાથે સાથે સોસાયટીમાં બાંધકામની ગુણવત્તા પણ અત્યંત નબળી છે અને પાર્કિંગ એરિયામાં સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે, જ્યાં માત્ર રેતી જ દેખાય છે. ત્યારે આ મામલે ત્વરિત પગલાં નહીં લેવાય ત્યાં સુધી તમામ લોકો રૂડા કચેરીએ ધરણા પર બેસી રહેશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.

