અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં ગઈકાલે મોડી સવારે ભૂકંપના બે આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. માત્ર ચાર મિનિટના સમયગાળામાં બે આંચકાઓ આવતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે 10:54 કલાકે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 નોંધાઈ હતી. ત્યાર બાદ 10:58 કલાકે ફરી એક વખત 2 ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાતા મીતીયાળા સહિત આસપાસના ગામોમાં લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપના આંચકાઓ મીતીયાળા, ધજડી, સાકરપરા તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા. ઉપરાંત ખાંભા, નાનુડી, ઈંગોરાળા, નાના વિસાવદર, અનિડા સહિતના વિસ્તારોમાં પણ લોકો ભૂકંપના આંચકાથી ગભરાઈ ગયા હતા. અચાનક જમીન ધ્રૂજતા કેટલાક લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનોમાં પહોંચી ગયા હતા.
સિસ્મોલોજી વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 44 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે હાલ સુધી કોઈ જાનહાની કે માલ મત્તાના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં સ્થાનિક પ્રશાસન અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ભૂકંપના આંચકાઓ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વચ્ચે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

