શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક મહોત્સવનું ગામડે ગામડે જઈને આમંત્રણ પાઠવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મા ખોડલના ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. 23 મે ને શનિવારના રોજ રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે ભક્તિમય વાતાવરણમાં આ ત્રણેય રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રથ પ્રસ્થાન વિધિ પ્રસંગે સૌપ્રથમ રથ પ્રસ્થાન તથા રથ પરિભ્રમણ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ રૂપે ચેરમેન નરેશભાઈ પટેલે પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડયું હતું. ત્યારબાદ ત્રણેય સુશોભિત રથની પ્રસ્થાન વિધિ યોજાઈ હતી. રથ પ્રસ્થાન સ્થળ પર શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા કલાત્મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી અને રંગબેરંગી ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રથની પૂજન વિધિ કરીને નરેશભાઈ પટેલના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરીને રથનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથ પ્રસ્થાન સમયે મા ખોડલના નાદ ગુંજી ઉઠ્યા હતા.
ત્રિ-દિવસીય શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવની વાત કરીએ તો, તારીખ 19 જાન્યુઆરી 2027 ને મંગળવારના રોજ ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્પવર્ષા થશે. બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તારીખ 20 જાન્યુઆરી 2027 ને બુધવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉપસ્થિત રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તારીખ 21 જાન્યુઆરી 2027 ને ગુરુવારના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડુંહોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ચેરમેન નરેશભાઈ પટેલ ઉદબોધન કરી સમાજ જોગ સંદેશ આપશે અને દશાબ્દી મહોત્સવનું સમાપન થશે.
મા ખોડલના આ રથ સમગ્ર ગુજરાતના ચારેય ઝોન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ગામડાઓ અને શહેરોમાં પરિભ્રમણ કરશે. રથ પરિભ્રમણ દરમિયાન લેઉવા પટેલ સમાજની વસતી ધરાવતા કુલ 3500થી વધુ ગામોની રૂબરૂ મુલાકાત લઈ શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવામાં આવશે. આ રથ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે રથ અંદાજિત 180 દિવસથી વધુ ફરશે. જે દરમિયાન શ્રદ્ધાળુઓને દશાબ્દી મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ અપાશે.
23 મેના રોજ રાજકોટથી રથ પ્રસ્થાન બાદ ત્રણેય રથ અલગ અલગ ઝોનમાં જશે. જેમાં એક રથ ઉત્તર ગુજરાત ઝોનમાં બનાસકાંઠા જિલ્લામાં જશે, બીજો રથ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ જિલ્લામાં જશે, અને ત્રીજો રથ મધ્ય ગુજરાત ઝોનમાં દાહોદ જશે. આ ત્રણેય જિલ્લામાંથી પ્રથમ તબક્કામાં મા ખોડલનો રથ પરિભ્રમણ કરશે. ત્યારબાદ અલગ અલગ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરશે.
શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવા મા ખોડલનો રથ વિશેષ રૂપે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં મા ખોડલની મૂર્તિ બિરાજમાન છે. આ ઉપરાંત રથ એલઈડી ટીવી અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે. આ રથ જ્યાં જ્યાં જશે ત્યાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. લોકો દ્વારા રંગોળીઓ અને તોરણો બાંધી મા ખોડલના વધામણાં કરવામાં આવશે. સાથે જ ગામે-ગામ માં ખોડલની મહાઆરતી અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે. જેનાથી ભક્તિમય માહોલ સર્જાશે અને લોકોમાં સંગઠન ભાવના વધુ મજબૂત બનશે. રથ પરિભ્રમણના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ સુધી શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનો સંદેશ પહોંચાડવામાં આવશે.
રથ પ્રસ્થાનના આ દિવ્ય અવસરે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથ પ્રસ્થાન વિધિ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ (સોમનાથ)ના ટ્રસ્ટીઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ, ખોડલધામ સમિતિઓના ક્ધવીનરઓ, સહ ક્ધવીનરઓ, વિવિધ વોર્ડના ક્ધવીનર, સહ ક્ધવીનરઓ, વિવિધ સમિતિઓના સભ્યો તથા મોટી સંખ્યામાં ખોડલધામ પરિવારના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

