HomeUncategorizedશાંતિનિકેતન : શિક્ષણ અને સંસ્કારનું પવિત્ર ધામ

શાંતિનિકેતન : શિક્ષણ અને સંસ્કારનું પવિત્ર ધામ

ભારતના રાષ્ટ્રગાન “જન ગણ મન” ના રચયિતા, વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર, તત્વચિંતક અને શિક્ષણપ્રણેતા રવીન્દ્રનાથ ટાગોર ભારતીય સંસ્કૃતિના તેજસ્વી પ્રતિક હતા. તેમની જન્મજયંતિ માત્ર એક મહાન સાહિત્યકારને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિકતા, માનવતા અને રાષ્ટ્રભાવનાને નમન કરવાનો પવિત્ર અવસર છે.
રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૭ મે, ૧૮૬૧ના રોજ કોલકાતા ખાતે એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય, સંગીત અને કલાપ્રતિ અસાધારણ ઝોક ધરાવતા હતા. ટાગોરે કવિતા, નવલકથા, નિબંધ, નાટક, ગીત અને ચિત્રકળા જેવા અનેક ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમની રચનાઓમાં માનવતા, પ્રકૃતિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિક ચિંતનનો અદભૂત સમન્વય જોવા મળે છે.
વર્ષ ૧૯૧૩માં તેમની પ્રસિદ્ધ કૃતિ “ગીતાંજલિ” માટે તેમને સાહિત્ય ક્ષેત્રનો વિશ્વપ્રસિદ્ધ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય અને એશિયાઈ મહાનુભાવ બન્યા હતા. તેમની કલમે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ ઉપર ગૌરવ અપાવ્યું હતું.
ટાગોર માત્ર કવિ નહોતા, પરંતુ એક દ્રષ્ટા શિક્ષણવિદ પણ હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ની સ્થાપના કરી, જ્યાં શિક્ષણને પ્રકૃતિ અને સંસ્કાર સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. આજનું વિશ્વભારતી યુનિવર્સિટી તેમના વિચારોનું જીવંત પ્રતિક છે.
ભારતનું રાષ્ટ્રગાન “જન ગણ મન” અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન “આમાર સોનાર બાંગ્લા” બંને ટાગોરની રચનાઓ છે, જે તેમની વૈશ્વિક પ્રતિભાનું અનોખું ઉદાહરણ છે. તેમના વિચારો આજે પણ યુવાનોને રાષ્ટ્રપ્રેમ, માનવ સેવા અને સર્જનાત્મકતાની પ્રેરણા આપે છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જીવન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તેમની જન્મજયંતિએ આપણે તેમની સાહિત્યસાધના, રાષ્ટ્રભાવના અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમ રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ જણાવે છે.



RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments