HomeLocal Newsવીરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝા નજીક દોડતી કારમાં ભીષણ આગ, કાર બળીને...

વીરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝા નજીક દોડતી કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ

રાજકોટ – જેતપુર હાઇવે પર આજે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો. વીરપુર નજીક આવેલા પીઠડીયા ટોલ પ્લાઝા પાસેના ઓવરબ્રિજ ઉપર દોડતી કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખી કાર આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના ઉપેશભાઈ દેવડા પોતાની કાર લઈને જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પીઠડીયા ટોલ પ્લાઝા નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિનો અંદાજ આવી જતા કારચાલકે તાત્કાલિક ગાડી સાઈડમાં ઊભી રાખી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. આગના કારણે થોડા સમય માટે રાજકોટ – જેતપુર હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જેતપુર પાલિકાના ફાયર ફાઈટરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ એટલી ભીષણ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલમાં કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments