HomeLocal Newsવર્ષ 2034 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા

વર્ષ 2034 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા


ગુજરાતમાં ‘વન નેશન, વન ઈલેકશન’ મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ થઈ છે. સમિતિએ રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષો, શિક્ષણજગત, ઉદ્યોગ ક્ષેત્ર, મીડિયા પ્રતિનિધિઓ અને સહકારી સંસ્થાઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચામાં આ પ્રસ્તાવને લઈને સમર્થન અને વિરોધ બંને પ્રકારના અભિપ્રાયો સામે આવ્યા હતા.
સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તેની ટર્મ 2032 સુધી રહેશે. જો ‘વન નેશન, વન ઈલેકશન’ સંબંધિત કાયદો 2029માં અમલમાં આવશે તો ત્યારબાદ ચૂંટણી ધીમે ધીમે મર્જ થતી જશે અને વર્ષ 2034 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે 2029 પહેલા યોજાનારી તમામ ચૂંટણીઓ પાંચ વર્ષ માટે જ રહેશે.
ચર્ચા દરમિયાન કોંગ્રેસે આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે તેમણે પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા, પરંતુ તેમને સમજાવવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા નહોતા. કોંગ્રેસનું માનવું છે કે, આ પ્રસ્તાવથી સત્તાનું કેન્દ્રિકરણ વધી શકે છે અને રાજ્યોના અધિકારો સીમિત થઈ શકે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી કે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજાશે તો સત્તાધારી પક્ષને આર્થિક નિર્ણયો લેવામાં વધુ છૂટછાટ મળી શકે છે. આ મુદ્દે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે વારંવારની ચૂંટણીને કારણે પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રક્રિયા પ્રભાવિત થાય છે. નિરજા ગુપ્તાએ જણાવ્યું કે આચારસંહિતાના સમયમાં અનેક નિર્ણયો અટકી જાય છે અને શિક્ષકો ચૂંટણી ફરજમાં જોડાતા હોવાથી શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. તેમણે શિક્ષણ સેવાને ઇમરજન્સી સેવા જાહેર કરવાની પણ માંગ કરી હતી.
ઉદ્યોગ સંસ્થા ક્રેડાઈ સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જો ચૂંટણી એકસાથે યોજાશે તો મોટી સંખ્યામાં કામદારો મતદાન માટે જશે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી શકે છે. જોકે કેટલાક પ્રતિનિધિઓએ એવું પણ કહ્યું કે વારંવારની ચૂંટણીથી અર્થતંત્રમાં ગતિ રહે છે અને વેપાર-ધંધાને ફાયદો થાય છે.
મીડિયા ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે અલગ અલગ સમયે ચૂંટણી યોજાતી હોવાથી સ્થાનિક મુદ્દાઓને વધુ પ્રાથમિકતા મળે છે. જ્યારે એકસાથે ચૂંટણીથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ શકે છે અને સ્થાનિક પ્રશ્ર્નો પાછળ ધકેલાઈ શકે છે.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ બેઠક બાદ જણાવ્યું હતું કે વારંવારની ચૂંટણીના કારણે વહીવટી કામગીરી પર અસર પડે છે. સહકારી ક્ષેત્ર સાથે લાખો પશુપાલકો જોડાયેલા છે અને દૂધ એકત્રીકરણ તથા વિતરણ જેવી કામગીરી સતત ચાલતી રહે છે. આવી સ્થિતિમાં ‘વન નેશન, વન ઈલેકશન’ વ્યવસ્થાને કારણે વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધે તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments