HomeLocal Newsવડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘કલ્પસર યોજના’ને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ ગુજરાતની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘કલ્પસર યોજના’ને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ ગુજરાતની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કલ્પસર યોજના

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ જેટન સાથે નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજ્ક’ (અરતહીશમિંશષસ)ની મુલાકાત લીધી હતી. તેમણે આ ડેમમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજીને ઉદાહરણરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘અરતહીશમિંશષસ’ અને ગુજરાતની કલ્પસર યોજના વચ્ચે અઢળક સમાનતાઓ છે.
કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગને લઈને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે આશયપત્ર (LOI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી યોજનાના અમલીકરણને વધુ વેગ મળશે.
અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો લાંબા સમયથી સામનો કરી રહેલા ગુજરાતને સરદાર સરોવર ડેમના નિર્માણથી રાહત તો મળી છે, પરંતુ લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ એક યોજના પર નિર્ભર રહેવું જોખમી બની શકે છે. આ કારણોસર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખંભાતના અખાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાની કલ્પના કરી હતી. જોકે, આ યોજના ટેકનિકલી અત્યંત જટિલ અને પડકારજનક છે.
શું છે કલ્પસર યોજના?
કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રને મળતી સાત નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનું છે. સાથે જ, તેમાં ભરતીથી ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાના સમકલિત વિકાસનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કલ્પસર ડેમની રૂપરેખા નિર્ધારિત કરવા માટે ભાવનગર ખાતે દરિયાઈ સર્વેક્ષણનો ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, આ યોજના બહુ જટિલ હોવાના કારણે તેને સાકાર કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સરકાર દ્વારા સતત દ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં 30 માર્ચ, 2026ના રોજ ગાંધીનગર ખાતે નેધરલેન્ડ્સની રાજદૂત મારિસા ગેરાર્ડ્સ સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર યોજનાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ દરમિયાન ‘ઇન્ડો-ડચ’ નિષ્ણાત સમૂહની રચના અને G2G ભાગીદારી અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
કલ્પસર યોજનાથી મળશે આ લાભો
કલ્પસર યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. આ યોજના દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને 60 કિલોમીટર જેટલું થઈ જશે. એટલું જ નહીં, આ યોજનાથી અંદાજે 1500 મેગાવોટ પવન ઊર્જા અને 1000 મેગાવોટ સૌર ઊર્જા જેવા નવીનીકરણીય ઊર્જાના સ્ત્રોતોનું ઉત્પાદન પણ થશે. સાથે જ પ્રવાસન અને મત્સ્યઉદ્યોગના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
કલ્પસર યોજનાને સાકાર કરવા માટે સમયાંતરે વિસ્તૃત અભ્યાસ અહેવાલો તૈયાર કરવામાં આવ્યા છે. દરિયાઈ ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવતી નેધરલેન્ડ્સની વિશ્વ વિખ્યાત સંસ્થા રોયલ હાસ્કોનિંગે કલ્પસર પ્રોજેક્ટના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)માં સૌથી મહત્વપૂર્ણ ’ક્લોઝર મેથડોલોજી’માં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
શું છે ‘અફસ્લુઇટડિજ્ક’?
‘અફસ્લુઇટડિજ્ક’ માત્ર નેધરલેન્ડ્સ જ નહીં પરંતુ વિશ્વની સૌથી પ્રસિદ્ધ એન્જિનિયરિંગ યોજનાઓમાંની એક છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે તે વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. આશરે 80 વર્ષ પહેલાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ 32 કિલોમીટર લાંબો બેરિયર ડેમ ઉત્તર સમુદ્રને મીઠા પાણીના તળાવથી અલગ કરે છે. તે નેધરલેન્ડ્સના નીચાણવાળા વિસ્તારોને ગંભીર પૂરથી સુરક્ષિત કરે છે, જે તેને પૂર નિયંત્રણમાં વૈશ્વિક માપદંડ બનાવે છે. તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સમુદ્રમાંથી ખારા પાણીને રોકે છે, જેથી અંદર મીઠા પાણીનું મોટું જળાશય બને છે. Afsluitdijk પ્રોજેક્ટમાં મીઠા પાણીનો સંગ્રહ, શિપિંગ, પરિવહન જોડાણ અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનનો દૃઢ સંકલ્પ અને નેધરલેન્ડ્સની ભાગીદારી કરશે કલ્પસર યોજનાને સાકાર
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં દીર્ઘદૃષ્ટિ અને મોટા લક્ષ્યો સાથે લઈને આગળ વધે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કલ્પસર યોજનાનું સ્વપ્ન જોયું હતું. રાજ્યને જળસંકટની સ્થિતિમાંથી બહાર કાઢીને જળસમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે તેમણે સરદાર સરોવર જેવી વિરાટ યોજનાને વાસ્તવિકતા બનાવી હતી. દાયકાઓ સુધી રાજકીય અને પર્યાવરણીય અવરોધોનો સામનો કરી રહેલી સરદાર સરોવર યોજનાને સાકાર કરવા માટે તેમણે અડગ ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પનો પરિચય આપ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્પસર યોજનાને લઈને શરૂઆતથી આશાવાદી રહ્યા છે. અનેક અડચણો હોવા છતાં તેમણે આ યોજનાને સાકાર કરવાનું સ્વપ્ન જીવંત રાખ્યું છે. જટિલ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીકલ પડકારોને કારણે યોજનામાં વિલંબ થયો હોવા છતાં, તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દ્વારા ‘અફસ્લુઇટડિજ્ક’ની મુલાકાત અને કલ્પસર યોજના માટે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે આશયપત્ર પર હસ્તાક્ષર થવાથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન આ યોજનાને લઈને કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ આ મુલાકાત બંને દેશોની જળ વ્યવસ્થાપન, જળવાયુ અનુકૂલન અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અને કલ્પસર યોજના માટે આશયપત્ર પર થયેલા હસ્તાક્ષરથી ગુજરાત માટે સુવર્ણ સંભાવનાઓના નવા દ્વાર ખુલ્યા છે. સાથે જ, નેધરલેન્ડ્સ તેના વિશ્વપ્રસિદ્ધ ‘અફસ્લુઇટડિજ્ક’ પ્રોજેક્ટના 90 વર્ષથી વધુના અનુભવો અને ટેકનિકલ નિપુણતાનો લાભ ભારતને આપશે.
આ સહયોગ 29 માર્ચ, 2022ના રોજ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલી ‘જળ પર ભારત-ડચ વ્યૂહાત્મક ભાગીદારી’ પર આધારિત છે. નેધરલેન્ડ્સ પાસે સમુદ્રમાં ડેમ નિર્માણની ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિપુણતા છે અને હવે ગુજરાતને આ વિશેષતાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે, જે રાજ્યની મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments