રાજકોટ : શું તમારે લાઇસન્સ સંબંધી કોઈ કામ છે ? તો આ બ્લ્યુ પટ્ટી માર્ગદર્શિકા ફોલો કરો.. લોન, રજીસ્ટ્રેશન, ડુપ્લીકેટ આર.સી. માટે કામ છે તો યલો પટ્ટી ફોલો કરો.. મેમો કે ડિટેઇન થયેલા વાહન છોડાવવાના છે તો રેડ પટ્ટીની દિશામાં આગળ વધો… આવી જ રીતે આર.ટી.ઓ. કચેરીએ કોઈપણ કામ માટે આવતા અરજદારોને હવે કંઇ દિશામાં, કંઇ બારી કે ઓફિસમાં જવું તેના માટે કોઈને પૂછપરછ નહીં કરવી પડે… કારણ કે, રાજકોટની આર.ટી.ઓ. કચેરીમાં સામાન્ય માણસને સમજાય તે રીતે કલર કોડ નેવિગેશન સિસ્ટમ (દિશાસૂચક) ઉભી કરવામાં આવી છે.
આ બાબતે આર.ટી.ઓ. અધિકારી આઈ.એસ.ટાંક જણાવે છે કે, આર.ટી.ઓ. ખાતે વિવિધ કામ માટે રોજના 700થી વધુ લોકો આવે છે. મોટરિંગ પબ્લિક અને સામાન્ય અરજદારોની સુવિધામાં વધારો કરવા તથા કચેરીનું કામકાજ વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી એક વિશેષ અને નવતર ફ્લોર નેવિગેશન સિસ્ટમ (દિશાસૂચક માર્ગદર્શિકા) શરુ કરવામાં આવી છે. સામાન્ય રીતે કચેરીમાં અલગ-અલગ કામો માટે કંઇ બારી કે ક્યાં રૂમમાં જવું તેની મૂંઝવણ અરજદારોને રહેતી હોય છે, જેનો કાયમી ઉકેલ આ કલર-કોડેડ સિસ્ટમથી લાવવામાં આવ્યો છે.
કલર-કોડિંગ અને તેની વિગતવાર માર્ગદર્શિકા:-
બ્લ્યુ (વાદળી) કલરની પટ્ટી:- લાઇસન્સ સંબંધિત કામગીરી માટે
ડ્રાઇવિંગ લાઇસન્સ, રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવું, નામ અથવા સરનામામાં ફેરફાર કરવો, લાઇસન્સ બેકલોગ, રિન્યુ/રીટેસ્ટ વગેરે, હેઝાર્ડસ (જોખમી) માલસામાન પરિવહન માટે લાઇસન્સમાં એન્ડોર્સમેન્ટ, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફોટો કેપ્ચર પ્રક્રિયા, લર્નિંગ લાઇસન્સ કોમ્પ્યુટર પરીક્ષા (ટેસ્ટ) માટે વાદળી રંગના એરો માર્ગદર્શન આપશે.
યલો (પીળા) રંગની પટ્ટી:- ટ્રાન્સપોર્ટ (કોમર્શિયલ) વાહનો માટે
ટેક્સી, મેક્સી, બસ, ટ્રક, રિક્ષા, પીકઅપ વગેરે જેવા તમામ કોમર્શિયલ વાહનોના માલિકો અને ચાલકો માટે આ ટ્રેક બનાવવામાં આવ્યો છે. માલિકી ટ્રાન્સફર (તબદિલી), લોન રદ કરવી, લોન ઉમેરવી કે ચાલુ રાખવી, ડુપ્લિકેટ આર.સી. બુક મેળવવી, ટેક્સ બાબતની કામગીરી, રજીસ્ટ્રેશન રદ કરવું, સરનામામાં ફેરફાર, વાહનમાં અલ્ટરેશન કે ક્ધવર્ઝન (ફેરફાર) અને નોન-યૂઝને લગતી તમામ કામગીરી તરફ અરજદારને પીળી પટ્ટી દોરી જશે.
વ્હાઇટ (સફેદ) કલરની પટ્ટી:- નોન-ટ્રાન્સપોર્ટ વાહનો માટે
મોટરકાર, મોટરસાયકલ, મોપેડ તેમજ ક્ધસ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, ક્રેન અને લોડર જેવા ખાનગી વાહનો માટે સફેદ રંગનો ટ્રેક નક્કી કરાયો છે. આ પટ્ટી દ્વારા વાહનની માલિકી ટ્રાન્સફર, લોન રદ/ઉમેરવી, ડુપ્લિકેટ આર.સી., રજીસ્ટ્રેશન રદ કરવું, એન.ઓ.સી. (NOC) મેળવવી, સરનામામાં ફેરફાર કે વાહનમાં અલ્ટરેશન કરાવવું તેમજ આર.આર.એફ. (15 વર્ષ જૂના વાહનોનું ફિટનેસ)ને લગતી કામગીરી માટે સીધું માર્ગદર્શન મળશે.
રેડ (લાલ) કલરની પટ્ટી:- દંડ અને ડિટેઇન વાહનોની કામગીરી માટે
કોઈપણ પ્રકારના નિયમભંગ બદલ કાયદેસરનો દંડ અથવા માંડવાળ ફી ભરવા માટે, છઝઘ અને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા મેમોનો દંડ ભરવા માટે, છઝઘ કચેરી દ્વારા જપ્ત/ડિટેઇન કરવામાં આવેલા વાહનોને છોડાવવાની વહીવટી પ્રક્રિયા કરવા માટે લાલ રંગનો ટ્રેક અને એરો મદદરૂપ બનશે.
રાજકોટ આર.ટી.ઓ. અધિકારી ટાંકે અપીલ કરતા જણાવ્યું છે કે, કચેરીની મુલાકાતે આવતા અરજદારોનો સમય પૂછપરછમાં ના બગડે અને ફ્લોર પર લગાવવામાં આવેલા આ કલર-કોડેડ એરો અને દિશાસૂચક પટ્ટીઓનો ઉપયોગ કરી પોતાની કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

