આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા જીલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ સમય ગુજરાત રાજ્ય એક અતિમહત્વપૂર્ણ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્વત્ર ડીઝલની તીવ્ર અછત બનતાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ બેડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.
આપની સમક્ષ સમાજના આ ગંભીર વર્ગોના મુખ્ય પ્રશ્ર્નો અને તેના તાત્કાલિક નિરાકરણ માટેની માંગણીઓ રજૂ કરીએ છીએ:
- જળના તાત (ખેડૂતો) ના પ્રશ્ર્નો અને માંગણીઓ:
સમસ્યા: ખેતીની ખેતી સીઝને જ પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ટ્રેકટરો ઠપ થઈ ગયા છે, જેથી વાવણી પકડેલા ખેડૂતો ચિંતામાં છે.
માંગણી: ગ્રામ્ય વિસ્તારોના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા (અનામત જથ્થો) નક્કી કરવામાં આવે.
માંગણી: આજે ખેતી કરવી મુશ્કેલ થઈ રહી છે ત્યારે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમારી માંગ છે કે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે. - ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ (રાજ્યની આર્થિક લાઇફલાઇન) ના પ્રશ્ર્નો અને માંગણીઓ:
સમસ્યા: ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડયા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે.
માંગણી તમામ હાઈવે પર આવેલા ઈંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ર્ચિત કરવામાં આવે.
માંગણી: ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરાતી કથિત કાપ કે સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટી નીમવામાં આવે. - સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્ર્નો અને માંગણીઓ:
સમસ્યા: ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધવાને કારણે શાકભાજી, ખાધતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે.
માંગણી: મોંઘવારીના આ વિષચક્રમાંથી જનતાને બચાવવા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ (ટઅઝ) અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઈંધણના ભાવ નીચા લાવે.
માંગણી: સંગ્રહખોરો દ્વારા બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા માટે દરેક જિલ્લા સ્તરે ‘પ્રાઈસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્કવોડ’ કાર્યરત કરવામાં આવે.

