ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ (જીએસઆરીટીસી) દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાઓને રોજગારી મળે તે માટે 2263 ડ્રાયવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે સાથે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી-કર્મચારીને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરીને દરેક અધિકારી-કર્મચારી દીઠ 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાનો પણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
એસટી નિગમની 667મી બોર્ડ મીટીંગ તાજેતરમાં યોજાઈ હતી જેમાં મુસાફરોની સુવિધાથી લઈને કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. લાંબા સમયથી ડ્રાયવર અને કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી તેને ધ્યાનમાં રાખીને મોટાપાયે નવી ભરતીઓ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભરતી કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બે ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવ્યું છે તેનો વધારાનો લાભ નિગમના અધિકારી-કર્મચારીને આપવા સરકારમાં હકારાત્મક દરખાસ્ત પણ કરવામાં આવશે. કોરોનાકાળમાં એસટી નિગમની કેટલીક ઈમર્જન્સી સેવા લેવામાં આવી હતી તેમાં ફરજ બજાવતા જે અધિકારી-કર્મચારીના મૃત્યુ થયા હતા તેમને વળતર આપવાનો પ્રશ્ર્ન લાંબા સમયથી વણઉકલ્યો હતો. તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં એસટી નિગમની સેવાઓ વધુ સુદ્દઢ બનાવવા અને ભવિષ્યના રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં મુસાફરોની સુવિધામાં વધારો અને નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડુ વસૂલવામાં આવે છે. તેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાંથી લગભગ 39 ટકા જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હાલ થઈ રહી છે.

