શીર્ષક:
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેતપાકોની ભરપૂર આવક, 1050થી વધુ વાહનો પહોંચ્યા
સમાચાર:
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર વિવિધ ખેતપાકોની ભારે આવક નોંધાઈ છે. આજે યાર્ડમાં અંદાજે 1050થી વધુ વાહનો દ્વારા પાકોની આવક થતાં સમગ્ર માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસોથી છલકાઈ ગયું હતું. ગઈકાલે મગફળીની આવક ખૂબ જ વધતા સંગ્રહ માટે જગ્યા ન રહેતા આજે મગફળીની આવક તાત્કાલિક બંધ રાખવામાં આવી હતી.
બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, સોયાબીન, અળદ, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાડા, સફેદ તલ, કાળા તલ અને જીરુ સહિતના પાકોની નોંધપાત્ર આવક થઈ હતી. આમાં કપાસની અંદાજે 15,000 મણ, સોયાબીનની 3,200 મણ, અળદની 2,600 મણ, ઘઉંની 8,400 મણ, ચણાની 5,000 મણ અને મગની 2,000 મણ આવક નોંધાઈ હતી. તે ઉપરાંત લસણની 4,000 મણ, સિંગફાડાની 3,900 મણ, સફેદ તલની 4,400 મણ, જીરુની 5,000 મણ અને કાળા તલની 800 મણ આવક થઈ હતી.
ગઈકાલે મગફળીની આવક ખૂબ જ વધતા યાર્ડમાં સંગ્રહ માટે પૂરતી જગ્યા ન હોવાથી આજે મગફળી ન લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી. યાર્ડમાં જગ્યા ઉપલબ્ધ થતાની સાથે ફરીથી મગફળીની આવક શરૂ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે આ વર્ષે મગફળીના પાકની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી છે, જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે સારી ગુણવત્તાની મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે નબળી ગુણવત્તાની મગફળી ખેડૂતોને ઓપન બજારમાં વેચવી પડે છે. પરિણામે ટેકાના ભાવની સરખામણીએ ઓપન બજારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
