Homeરાજકોટરાજકોટમાં રેલવેનું મોટું ડિમોલેશન ઓપરેશન, 350થી વધુ ઝુપડાઓ દૂર, પાંચ એકર જમીન...

રાજકોટમાં રેલવેનું મોટું ડિમોલેશન ઓપરેશન, 350થી વધુ ઝુપડાઓ દૂર, પાંચ એકર જમીન દબાણમુક્ત

રાજકોટ શહેરમાં આજે રેલવે વિભાગ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીડીએસ બિપિન રાવત અંડર બ્રિજ નજીક રેલવેની જમીન પર વર્ષોથી થયેલા દબાણને દૂર કરવા માટે ડિમોલેશન ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે 350થી વધુ ઝુપડાઓને દૂર કરવામાં આવ્યા હતા. રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી ચાલતા દબાણને દૂર કરી લગભગ પાંચેક એકર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ડિમોલેશન કામગીરી માટે તંત્ર દ્વારા વિશાળ મશીનરી અને માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું. સ્થળ પર 20થી વધુ જેસીબી મશીનો, 50થી વધુ ટ્રેક્ટર તેમજ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. ઝુપડાઓ અને અન્ય અસ્થાયી માળખાં તોડવાની પ્રક્રિયા દરમિયાન સતત મશીનરી દ્વારા કચરો અને માલસામાન દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ 400થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કામગીરીને સુરક્ષિત રીતે આગળ વધારવામાં આવી હતી.

ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોમાં થોડી ચિંતા અને હલચલ જોવા મળી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત અને તંત્રની સમજાવટના કારણે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દબાણ દૂર થતાં રેલવેની જમીન ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી બનશે અને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે માર્ગ મોકળો બનશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments