મોરબી: લાયન્સનગરમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસ તપાસમાં લાગી
મોરબીના નવલખી રોડ સ્થિત લાયન્સનગર વિસ્તારમાં એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. બનાવમાં મૃત્યુ પામનાર યુવકનું નામ હિતેશભાઈ મનસુખભાઈ ધમાલ (ઉંમર 29) હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ મૃતક છેલ્લા ત્રણ મહિનાથી એક પરણિત મહિલા સાથે સંપર્કમાં હતો. ઈન્સ્ટાગ્રામ મારફતે મૈત્રી થયા બાદ મહિલા ત્રણ મહિના સુધી યુવક સાથે રહેતી હતી તેવી માહિતી મળી છે. ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મરણ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ: ધરતી હોન્ડા શોરૂમ પાસે હિટ એન્ડ રન, CCTV ફૂટેજ સામે આવ્યા
રાજકોટના રાજનગર ચોક સામે ધરતી હોન્ડા શોરૂમ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ જતા અફરાતફરી સર્જાઈ હતી.
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપી વાહનને ઓળખવા પ્રયાસો હાથ ધર્યા છે.
રાજકોટ: રવિવારી બજારમાં મોબાઈલ ચોરી કરતા ગઠિયો રંગે હાથ ઝડપાયો
રાજકોટના રવિવારી બજારમાં મોબાઈલ ચોરી કરતી વખતે એક ગઠિયાને લોકોએ રંગે હાથ પકડી લીધો હતો. ભીડભાડનો લાભ લઈ ચોરી કરવાનો પ્રયાસ કરતા શખ્સને સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો.
પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ: સાત હનુમાન મંદિર નજીક પુલ પર અકસ્માત, 108 એમ્બ્યુલન્સ દોડી આવી
રાજકોટમાં શનિવારના સાત હનુમાન મંદિર નજીક આવેલા પુલ પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઈ ટ્રાફિકમાં થોડો સમય અવરોધ સર્જાયો હતો.
રાજકોટ: મહિલાની દાદાગીરીનો વીડિયો વાયરલ, સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
રાજકોટના શીતલપાર્ક વિસ્તારમાં મહિલાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વાહન પરના સ્ટીકર બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે થયેલી માથાકૂટ દરમિયાન મહિલાએ ગાર્ડના મોબાઈલ પર ઘા કરી લાફો માર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયો સામે આવતા યુનિવર્સિટી પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
