સોનું આસમાને, ત્યારે રાજકોટનું ઇમિટેશન જ્વેલરી માર્કેટ ટોચ પર
‘આત્મનિર્ભર ભારત’ના મંત્ર સાથે ઇમિટેશન ઉદ્યોગે મેળવી નવી ચમક
રાજકોટ | 7 જાન્યુઆરી
સોના અને ચાંદીના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે મધ્યમવર્ગના આભૂષણપ્રેમ માટે રાજકોટનો ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગ વિશ્વસનીય વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે. અસલી દાગીનાની જેમ દેખાતી ફિનિશિંગ, આધુનિક ડિઝાઇન અને પરવડતી કિંમતોને કારણે રાજકોટની ઇમિટેશન જ્વેલરી આજે દેશ-વિદેશમાં લોકપ્રિય બની છે.
કાનના બુટ્ટી-ઝુમકા, સ્ટડ, હૂપ્સ, ચાંદબાલી, ગળાના હાર, ચોકર્સ, મંગળસૂત્ર, બંગડીઓ, કડા, પાયલ, ઝાંઝર, માંગ ટિક્કા, કમરબંધથી લઈને બ્રાઇડલ અને ફેશન જવેલરી સુધીના અસંખ્ય વિકલ્પો રાજકોટમાં ઉપલબ્ધ છે. અમેરિકન ડાયમંડ, કુંદન, ઓક્સિડાઇઝ્ડ સિલ્વર, મીનાકારી અને ટેમ્પલ જ્વેલરી જેવી ડિઝાઇન અસલી સોના-ચાંદીના દાગીનાને ટક્કર આપે છે.
ભારતમાં પ્રથમ, એશિયામાં બીજા ક્રમે રાજકોટ
ઇમિટેશન જ્વેલરી મેકિંગમાં રાજકોટ ભારતભરમાં પ્રથમ અને સમગ્ર એશિયામાં બીજા નંબરે આવે છે. સંત કબીર રોડ, શિવશક્તિનગર અને પ્રજાપતિનગર જેવા વિસ્તારોમાં હજારો નાના-મોટા ઉત્પાદન એકમો કાર્યરત છે. રાજકોટને એશિયાના મોટા ઇમિટેશન જ્વેલરી હબ તરીકે ઓળખવામાં આવે છે.
પાંચ લાખથી વધુ લોકોને રોજગારી
ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના અંદાજ મુજબ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ૫ લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે, જેમાંથી અંદાજે સાડા ત્રણ લાખ મહિલાઓ આ ઉદ્યોગ સાથે સીધે સંકળાયેલી છે. આ ઉદ્યોગનો વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 1500 કરોડ ગણવામાં આવે છે.
તહેવારો અને લગ્નગાળામાં માંગમાં ભારે ઉછાળો
નવરાત્રિ, દિવાળી અને લગ્નની સિઝનમાં ટ્રેડિશનલ, એથનિક, ફ્યુઝન, બ્રાઇડલ, ટેમ્પલ અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની ઇમિટેશન જ્વેલરીની માંગમાં સૌથી વધુ વધારો જોવા મળે છે. રાજકોટમાં બનેલી જ્વેલરી દેશભરમાં વેચાય છે તેમજ ગલ્ફ દેશો, આફ્રિકા, દક્ષિણ એશિયા અને યુરોપ સુધી નિકાસ થાય છે.
ભવિષ્ય માટે નવી તકો
રાજકોટના MSME સેક્ટરનું મહત્વનું અંગ બનેલો ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગ હવે ડિઝાઇન ઇનોવેશન, બ્રાન્ડિંગ, ગુણવત્તા પ્રમાણપત્રો, ડિજિટલ માર્કેટિંગ અને ટેકનોલોજીના ઉપયોગથી વધુ વિસ્તરણ તરફ આગળ વધી રહ્યો છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સથી ઉદ્યોગને દેશ-વિદેશના બજારો સુધી પહોંચવાની નવી તકો મળશે અને રાજકોટનું ઇમિટેશન જ્વેલરી માર્કેટ વધુ ઊંચાઈઓને સ્પર્શ કરશે, એમાં કોઈ શંકા નથી.
