ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની મર્યાદા વિસ્તૃત કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર વાઈન એન્ડ ડાઈન એરિયા સુધી સીમિત રહેલી છૂટ હવે અન્ય અનેક વિસ્તારોમાં પણ લાગુ પડશે.
નવા નિયમો અનુસાર ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટના લૉન, પુલ સાઈડ, ટેરેસ તેમજ હોટેલ રૂમમાં પણ દારૂ મંગાવવાની અને પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સાથે ગિફ્ટ સિટીમાં આવતા વિવિધ ગ્રુપ માટે ટેમ્પરરી પરમિટની પણ જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ એક ગ્રુપમાં મહત્તમ 25 મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે, જેના કારણે કોન્ફરન્સ, મીટિંગ અને બિઝનેસ ઇવેન્ટ્સ દરમિયાન પ્રક્રિયા સરળ બનશે.
મહત્વપૂર્ણ ફેરફાર તરીકે WASP-2 નિયમ હેઠળ ગુજરાત બહારના તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ પીવા માટે અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. તેઓ માન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. જો કે આ તમામ છૂટછાટ માત્ર 21 વર્ષથી ઉપરના વયના લોકો માટે જ લાગુ રહેશે.
સરકારના આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં બિઝનેસ, હૉસ્પિટાલિટી અને ટુરિઝમ ક્ષેત્રને મોટો લાભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ નિયમોના અમલ માટે કડક દેખરેખ અને નિયંત્રણ પણ રાખવામાં આવશે તેમ જાણકારી આપવામાં આવી છે.
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટા ફેરફાર, હવે વધુ વિસ્તારોમાં મળશે દારૂ પીરસવાની છૂટ
RELATED ARTICLES
