રાજકોટ જિલ્લામાં સતત ભૂકંપના આંચકાઓ, તંત્ર એલર્ટ મોડમાં
રાતથી અત્યાર સુધી 21 આંચકા, જેતપુરમાં આપાતકાલીન બેઠક; શાળાઓમાં રજા જાહેર
રાજકોટ |
રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેતપુર ખાતે મામલતદાર દ્વારા આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી, જેમાં નગરપાલિકા, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભૂકંપના આંચકાઓને પગલે સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે શિક્ષકો, તલાટીઓ અને આરોગ્ય સ્ટાફને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને ભય ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, જેતપુર નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક પ્રતિસાદ મળી શકે.
રાતથી અત્યાર સુધી 21 ભૂકંપના આંચકા
સત્તાવાર માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં કુલ 21 ભૂકંપના આંચકા નોંધાયા છે. તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટા નજીક હોવાનું સામે આવ્યું છે. ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા વિસ્તારોમાં આંચકાઓની અસર સૌથી વધુ અનુભવાઈ છે.
સિસ્મોલોજી વિભાગનું સ્પષ્ટીકરણ
ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાને કારણે ધ્રુજારી વધુ અનુભવાઈ છે. આવા સતત નાના આંચકાઓને ભૂગર્ભશાસ્ત્રની ભાષામાં ‘SWARM એક્ટિવિટી’ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળમાં થતા પરિવર્તનના કારણે આવા આંચકાઓ આવ્યા હોવાની શક્યતા છે.
સિસ્મોલોજી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની એક્ટિવિટી ચિંતાનો વિષય નથી, જોકે આગામી સમયમાં પણ આવા આંચકાઓ અનુભવાઈ શકે છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
તંત્રની અપીલ
જિલ્લા પ્રશાસને નાગરિકોને શાંતિ જાળવવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ આપત્તિની સ્થિતિમાં તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરી છે.
