થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે તણાવ: સિઝફાયર તૂટ્યું
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરમાં તૂટેલા સિઝફાયરને પગલે સરહદ્દ પર તણાવ વધી ગયો છે. થાઇલેન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણ પર જોરદાર એરસ્ટ્રાઇક કર્યુ, જેના કારણે કંબોડિયાના હથિયાર ડેપો અને કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થઈ ગયા છે. થાઇલેન્ડના અહેવાલ પ્રમાણે, કંબોડિયાએ પહેલા મોટી માત્રામાં હથિયાર એકઠા કર્યા હતા અને ફાયર સપોર્ટ એલિમેન્ટ તૈયાર કર્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચે વધતી તણાવની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
અમદાવાદમાં આજે પણ ઈન્ડિગોની ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની કેટલીક ફ્લાઈટ્સ આજે પણ રદ રહી છે. સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી કુલ 18 ફ્લાઈટ રદ થઈ ગઈ છે, જ્યારે 20 ફ્લાઈટ્સનું ઓપરેશન સામાન્ય રીતે ચાલ્યું છે. ગઈકાલે પણ અહીં 42 ફ્લાઈટ્સ રદ થવાના સમાચાર મળ્યા હતા, જેના કારણે મુસાફરોમાં વિલંબ અને અસંતોષ સર્જાયો છે.
રાજ્યના અનેક શહેરોમાં 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન
રાજ્યભરમાં શિયાળાના પ્રચંડ પ્રભાવ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરતા ઠંડીમાં વધારો નોંધાયો છે. નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે, જ્યાં અનુક્રમે 16 ડિગ્રી અને 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાનમાં સતત ઘટાડા સાથે સમગ્ર રાજ્યમાં શિયાળાની અસર તેજ બનતી જોવા મળી રહી છે.
