અમદાવાદ | વેબ ન્યૂઝ
અમદાવાદ શહેરના રાયખડ ચાર રસ્તા પાસે આવેલ પ્રસિદ્ધ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં સ્થાપિત ભગવાન મહાદેવના ચાંદીના મુગટની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નિયમિત પૂજા-અર્ચના બાદ મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના મુગટની તપાસ દરમિયાન તે ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
ચોરીની જાણ થતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મંદિરમાં તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ અજાણ્યા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
