અમદાવાદના ભાડજમાં ‘સ્મશાન નહીં તો વોટ નહીં’ના બેનર, રાજકીય વર્તુળોમાં ખળભળાટ
અમદાવાદ: શહેરના ભાજપના ગઢ ગણાતા ભાડજ વિસ્તારમાં ‘સ્મશાન નહીં તો વોટ નહીં’ લખેલા બેનરો લાગતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. બેનરો લાગ્યા હોવાની માહિતી મળતાં જ સ્થાનિક નેતાઓ અને તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, જે વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે તે વિસ્તાર ગુજરાત વિધાનસભાની ધાટલોડિયા બેઠક હેઠળ આવે છે, જ્યારે લોકસભામાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં તેનો સમાવેશ થાય છે. બેનરો દ્વારા સ્થાનિક રહીશો પોતાની મૂળભૂત સમસ્યા પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બેનરોમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, વિસ્તારમાં સ્મશાનની સુવિધા ન બને ત્યાં સુધી મતદાન નહીં કરવામાં આવે. સાથે જ, ભાજપ અથવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કોઈપણ પ્રતિનિધિએ વિસ્તારમાં પ્રવેશ ન કરવો તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ રીતે બેનરો મારફતે આડકતરી રીતે ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, લાંબા સમયથી સ્મશાનની માંગ કરવામાં આવી રહી છે, છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે બેનરો લગાવીને તંત્ર અને રાજકીય પક્ષો પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ મામલે તંત્ર અને રાજકીય પક્ષો તરફથી શું પગલાં લેવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે, તે જોવાનું રહ્યું.
