રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા દરમિયાન VVIP ડોમમાં આગ, મોટી દુર્ઘટના ટળી
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કથા દરમિયાન અચાનક સર્જાયેલી આગની ઘટનાથી ભક્તોમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો. કથા મંડપના VVIP ડોમમાં ફાયર શો દરમિયાન આગ લાગતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી કોઈ મોટી જાનહાનિ થતી બચી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનાના કારણે કથા કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરાયો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ સુરક્ષા દ્રષ્ટિએ સમગ્ર મંડપની તપાસ હાથ ધરવામાં આવી હતી અને સ્થિતિ સામાન્ય હોવાનું જાહેર કરાયું હતું. આયોજકો દ્વારા ભક્તોને શાંતિ જાળવવા અને ગભરાવા નહીં તેવી અપીલ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ મુજબ ફાયર શો દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનોમાંથી ચિંગારી ઊઠતા આગ લાગ્યાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થયાની નોંધ નથી. હાલ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
