રાજકોટ શહેરની સૌથી જૂની અને મહત્વપૂર્ણ મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ લીધો છે. લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની બજારોમાં લાંબા સમયથી પાથરણા વાળા અને દુકાનદાર વેપારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. રસ્તા ઉપર વધતા દબાણને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે અને ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે આ સમસ્યા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સ્પષ્ટ અને સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારીથી વેપારીઓમાં અસંતોષ વધ્યો છે. આ વિરોધ સ્વરૂપે આજે સૌથી જૂની બજારના વેપારીઓ અડધો દિવસનું બંધ પાળીને પોતાની માંગો રજૂ કરશે. વેપારીઓએ જણાવ્યું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
