પાકિસ્તાની જેલમાં બંધ રાજ્યના 197 માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માગ ઉઠી છે. આ મુદ્દે માછીમારોએ DyCM હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. માછીમારો કોવિડના સમયગાળા દરમિયાન પકડાયા હતા, પરંતુ હજુ સુધી પાકિસ્તાન દ્વારા તેમને છોડવામાં ન આવતા તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માછીમારોએ સરકાર સમક્ષ વહેલી તકે પગલાં લઈ માછીમારોને મુક્ત કરાવવાની અપીલ કરી છે.
તાપી નદી પરના પાળાને લઈને અધિકારીઓ વચ્ચે જ મતભેદ
સુરતમાં તાપી નદી પર બનાવાયેલા પાળાને લઈને અધિકારીઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. તાપી પાળા પેટા વિભાગે કોર્પોરશનના કાર્યપાલક એન્જિનિયરને નોટિસ પાઠવી છે. વહેણને અવરોધે તે રીતે રેતી અને માટીનો પાળો બનાવવામાં આવતા તાપી નદી માટે જોખમભરી સ્થિતિ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પાળાના નિર્માણ માટે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નહોતી.
ગીર સોમનાથ: જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની કામગીરીને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઉગ્ર બની ગઈ, જ્યાં ઉપ પ્રમુખે DDOને કારણે વિકાસ કાર્યો અટવાયા હોવાનો આક્ષેપ કર્યો. આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં પણ DDOની કામગીરી પર પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા, પરંતુ સભામાં જવાબ આપવા બદલે DDO સભામાંથી રવાના થઈ ગયા.
