HomeLocal Newsવેઇટલોસની લાલચ આપી 150 યુવતીની ગેંગે દેશભરની મહિલાઓ પાસેથી 80 કરોડ લૂંટ્યા,સુરતી...

વેઇટલોસની લાલચ આપી 150 યુવતીની ગેંગે દેશભરની મહિલાઓ પાસેથી 80 કરોડ લૂંટ્યા,સુરતી યુવતી વજન ઉતારવા ગઈ ને 1.77 કરોડ ગુમાવ્યા

વેઇટલોસની લાલચ આપી 150 યુવતીની ગેંગે દેશભરની મહિલાઓ પાસેથી 80 કરોડ લૂંટ્યા,સુરતી યુવતી વજન ઉતારવા ગઈ ને 1.77 કરોડ ગુમાવ્યા

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને સારા-સારા ટેકનોક્રેટ્સ પણ ચોંકી જાય. હરિયાણાના ગુરુગ્રામ (ગુડગાંવ) ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક આલીશાન ઓફિસ ભાડે રાખીને “CUREST SCIENCE & WELLNESS PRIVATE LIMITED” નામે એક સત્તાવાર રજિસ્ટર્ડ કંપની ખોલવામાં આવી હતી.

આ કોર્પોરેટ ઓફિસમાં 150થી વધુ યુવક-યુવતીઓથી સજ્જ એક હાઈટેક કૉલ સેન્ટર હતું. અહીંથી રોજ હજારો કૉલ્સ દેશભરની માસૂમ મહિલાઓને કરવામાં આવતા હતા. કૉલ સેન્ટરની અંદર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 150 જેટલી મહિલા કૉલર્સ અને 20 જેટલા પુરુષો સામેલ હતા, જેઓ ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકીને અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા.

સુરતની એક ગૃહિણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સ્ક્રૉલ કરી રહી હતી, ત્યારે તેને વજન ઘટાડવા માટેની એક અત્યંત આકર્ષક અને પ્રોફેશનલ જાહેરાત જોવા મળી હતી. ત્યારબાદ ગેંગે વજન ઉતારવાની લાલચ આપીને 1.77 કરોડ પડાવી લીધા હતાં. જોકે આજે 30 જૂને સુરત પોલીસે ગુરુગ્રામની હાઈટેક ગેંગને ઝડપી લીધી હતી. દેશભરમાં ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકીને 80 કરોડનું કાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

યુવતીએ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કર્યું ને ફસાઈ

સુરતની ગૃહિણીએ આ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કર્યું અને પોતાનો નંબર સબમિટ કર્યો. બસ, આ એક જ ક્લિકે તેને આંતરરાજ્ય સાયબર ઠગોની જાળમાં ધકેલી દીધી. કૉલ સેન્ટરમાંથી તાત્કાલિક મહિલા એડવાઈઝર્સે વોટ્સએપના માધ્યમથી ગૃહિણીનો સંપર્ક કર્યો અને પોતાની કંપની ‘ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ’ હોવાનું જણાવી તેમની ઓફિશિયલ વેબસાઈટ curestscience.inની વિગતો મોકલી મજબૂત પ્રેઝન્ટેશન આપ્યું.

નકલી ડૉક્ટરો અને બોડી પ્રોફાઈલિંગનું મોટું તૂત

સુરતની મહિલાને વિશ્વાસમાં લેવા માટે કૉલ સેન્ટરમાં બેઠેલા અર્સલાન નામના સાયબર ઠગે પોતાની અવાજ બદલવાની કળા વાપરી. તેણે ગૃહિણી સાથે ક્યારેક દેશના જાણીતા નિષ્ણાત “ડૉ. એમ. કે. ખન્ના” તો ક્યારેક “ડૉ. આકાશ મલહોત્રા” બનીને જુદા-જુદા અવાજમાં વાત કરી. કૉલ સેન્ટરની ટેલીકોલર છોકરીઓ હેના (જેણે પોતાનું નામ તન્વી શર્મા બતાવ્યું હતું) અને નિશા કુમારી (જેણે પ્રિયા ગુપ્તા નામ ધારણ કર્યું હતું)એ ગૃહિણીને એવું સમજાવ્યું કે કંપનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમનું પ્રોપર કન્સલ્ટિંગ કરી રહ્યા છે. ગૃહિણીની એક આખી ફેક મેડિકલ ફાઈલ અને બોડી પ્રોફાઈલ બનાવવામાં આવી, જેથી તેને લાગે કે બધું જ અત્યંત વૈજ્ઞાનિક ઢબે થઈ રહ્યું છે.

બાય ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી કેશ કલેક્શન કરતો ‘સ્પેશિયલ કુરિયર’

આ ગેંગની સૌથી અદભુત અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ બેન્ક એકાઉન્ટમાં પૈસા લેવાનું ટાળતા હતા જેથી કોઈ ઓનલાઈન ટ્રેક ન મળી શકે. સુરતની ગૃહિણી પાસેથી છેલ્લા પાંચ મહિનાની અંદર (26 જાન્યુઆરીથી મે 2026 સુધી) અલગ-અલગ દવાની કિટ મોકલીને કુલ ₹1,77,40,500 પડાવી લેવામાં આવ્યા.

આશ્ચર્યની વાત એ છે કે આમાંથી માત્ર ₹15,000 જ ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે બાકીના તમામ ₹1.77 કરોડથી વધુની રકમ રોકડી લેવાઈ હતી! આ રકમ લેવા માટે ગેંગનો ખાસ મેમ્બર મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ અને ઓમપ્રકાશ રજાક દિલ્હીથી બાય ફ્લાઈટ પાર્સલ લઈને સુરત આવતા, ગૃહિણીના ઘરે જઈ દવા આપતા અને થેલા ભરીને કરોડોની રોકડ ફ્લાઈટ મારફતે જ દિલ્હી પરત લઈ જતા હતા.

81 લાખની વધુ માંગણી કરીને બ્લેકમેલિંગ કર્યું

કરોડો રૂપિયા પડાવી લીધા પછી પણ ઠગોની ભૂખ સંતોષાઈ નહોતી. તેમણે ગૃહિણી પાસે વધુ ₹81,50,000ની કડકાઈથી માગણી શરૂ કરી. સાયબર ઠગોએ ગૃહિણીને માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું અને ધમકી આપી કે, “જો તમે આ ₹81.50 લાખ નહીં આપો, તો તમારી મેડિકલ ફાઈલ કાયમ માટે બંધ થઈ જશે, અત્યાર સુધી લીધેલી દવાની આડઅસર થશે અને તમારા અગાઉ આપેલા તમામ કરોડો રૂપિયા ડૂબી જશે.”

આ સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે ગૃહિણીને સમજાયું કે તે કોઈ મોટી છેતરપિંડીનો ભોગ બની છે. તેણે હિંમત કરીને સુરત સાયબર ક્રાઈમના ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો.

સુરત પોલીસની ‘ઓપરેશન જાળ’: 81 લાખના ડમી પેમેન્ટથી ટ્રેપ ગોઠવી

એડી. સીપી ડૉ. કરણરાજસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક એક્શન પ્લાન બનાવ્યો. પોલીસની એક વિશિષ્ટ ટીમને પીડિત મહિલાના ઘરે સાદા વેશમાં તૈનાત કરી દેવામાં આવી હતી. ગૃહિણી પાસે જ આરોપીઓ સાથે વાત કરાવીને ₹81 લાખ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી. ગેંગનો કુરિયર બોય મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ હંમેશની જેમ દિલ્હીથી ફ્લાઈટ પકડીને નકલી દવાનું પાર્સલ ડિલિવર કરવા અને બદલામાં ₹81 લાખની રોકડ લેવા સુરત પહોંચ્યો. જેવો તે ગૃહિણીના ઘરે નોટો ભરેલો થેલો લેવા ગયો, કે તરત જ છુપાઈને બેઠેલી સુરત સાયબર પોલીસે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

ગુરુગ્રામ ઓફિસ પર અડધી રાત્રે મેગા રેઇડ, કૉલ સેન્ટર સીલ

સુરતમાં પકડાયેલા કુરિયર બોય મોહમ્મદ હુસૈનની કડક પૂછપરછ કરતાં જ તેણે ગુરુગ્રામમાં ચાલતા આખા કૉલ સેન્ટરનું સરનામું ઓકી દીધું હતું. સુરત સાયબર સેલની એડવાન્સમાં દિલ્હી ગયેલી ટીમ તાત્કાલિક ગુરુગ્રામ પહોંચી અને ત્યાંની સ્થાનિક પોલીસને સાથે રાખીને ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસના કૉલ સેન્ટર પર અડધી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે આખું સેન્ટર ધમધમી રહ્યું હતું. પોલીસે ત્યાંથી મુખ્ય કૉલર હેના અને નિશા કુમારીની ધરપકડ કરી લીધી, જેઓ ગૃહિણીને સતત ફોન કરીને પૈસા તૈયાર રાખવાનું દબાણ કરતી હતી.

કંપનીએ ₹80 કરોડ ખંખેરી લીધા

પોલીસ તપાસમાં આ ગેંગના નાણાકીય વ્યવહારો જોઈને અધિકારીઓ પણ અવાક બની ગયા છે. આ કંપની વર્ષ 2021માં રજિસ્ટર્ડ થઈ હતી અને 2022થી ફ્રોડ ઓપરેશન ચલાવતી હતી. તેમના સત્તાવાર બેન્ક ખાતામાં માત્ર સાડા આઠ કરોડ રૂપિયા (₹8,30,95,532) જ મળ્યા છે, પરંતુ રોકડા વ્યવહારોનો આંકડો આકાશને આંબે તેવો છે.

મહિને 2 કરોડનો ટાર્ગેટ પૂરો કરતા

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ માત્ર માર્ચથી મે 2026ના ત્રણ મહિનામાં જ દર મહિને દોઢથી બે કરોડ રૂપિયાનો રોકડો ટાર્ગેટ પૂરો કરતા હતા!

સુરત પોલીસે ગુરુગ્રામમાં રેઈડ કરીને બે મહિલા સહિત 4ને દબોચી લીધા

સુરત પોલીસે 4 સાતિર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. આ ટોળકીમાં ફ્લાઈટ દ્વારા કરોડોનું કેશ કલેક્શન કરતો મોહમ્મદ હુસૈન, મહિલાઓને પોતાની જાળમાં ફસાવતી મુખ્ય ટેલીકોલર હેના, ડૉક્ટરની ખોટી આસિસ્ટન્ટ બની સલાહ આપતી ગ્રેજ્યુએટ નિશા કુમારી અને લાખોની રોકડની હેરાફેરી કરતો કુરિયર બોય ઓમપ્રકાશ સામેલ છે. પોલીસ દ્વારા આ શિક્ષિત અને દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ઓપરેટ કરતી ગેંગ પાસેથી લેપટોપ, મોબાઈલ અને નકલી દવાનો મોટો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય સૂત્રધાર ડાયરેક્ટરો હજુ પણ ફરાર, દિલ્હી-રાજસ્થાનમાં પણ ગુના નોંધાયા

આ આખી માયાજાળ ઊભી કરનાર કંપનીના મુખ્ય ડાયરેક્ટરો અમિત ગૌરવ અને પંકજ શર્મા (ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર) તથા મેનેજર દીપક હજુ પોલીસ પકડથી દૂર છે અને નાસતા ફરે છે. આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. કેન્દ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ (NCCRP)ની તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ જ કંપનીના મોબાઈલ નંબરો વિરુદ્ધ દિલ્હી અને રાજસ્થાનમાં પણ ગંભીર સાયબર છેતરપિંડીની ચાર જેટલી ફરિયાદો અગાઉથી નોંધાયેલી છે. સુરત પોલીસના આ સફળ ઓપરેશનના કારણે ગુરુગ્રામ કમિશનરેટમાં પણ આ કંપની વિરુદ્ધ આઈટી એક્ટ કલમ 66(ડી) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ અલગથી FIR દાખલ કરવામાં આવી છે.

સુરત પોલીસની ખાસ અપીલ: ઓનલાઈન એડથી સાવધ રહો

એડી. સીપી ડૉ. કરણરાજ સિંહ વાઘેલાએ સુરત સહિત દેશભરની મહિલાઓને ખાસ અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) પર આવતી વજન ઘટાડવાની, સ્લીમિંગ કે ગોરા થવાની આવી કોઈપણ ભ્રામક જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. મેડિકલ ટ્રીટમેન્ટ હંમેશા પ્રમાણિત ડૉક્ટરની રૂબરૂ મુલાકાત લઈને જ કરવી જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ ફોન પર મોટી રકમની, અને તેમાં પણ ખાસ કરીને ‘રોકડા’ રૂપિયાની માંગણી કરે, તો તે 100% ફ્રોડ છે. આવી સ્થિતિમાં ડર્યા વગર તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો જરૂરી છે.

See less

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments