HomeLocal Newsધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં 10 દિવસમાં 3 એશિયાટિક સિંહબાળના...

ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં 10 દિવસમાં 3 એશિયાટિક સિંહબાળના મો*ત

ગીર જંગલ વિસ્તારમાં ફરી એક વખત એશિયાટિક સિંહોમાં બેબસીયા (ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતા) રોગનો ભય ઉભો થયો છે. ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં છેલ્લા દશેક દિવસ દરમિયાન અલગ અલગ ત્રણ સિંહબાળના મોત થતા વનવિભાગમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. ગીર પશ્ચિમ જંગલ બોર્ડર નજીક બનેલી આ ઘટનાઓને પગલે સમગ્ર ગીર વિસ્તારમાં વનવિભાગ દ્વારા સઘન મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે ગાંધીનગર ખાતેના પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (પી.સી.સી.એફ.) જયપાલસિંહે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ પણ અલગ અલગ વિસ્તારોમાં બે સિંહબાળના મોત નોંધાયા હતા. હાલ મળતી માહિતી અને પ્રાથમિક તપાસના આધારે બેબસીયા પ્રકારના ચેપીજન્ય રોગની શક્યતા સામે આવી રહી છે. જોકે તમામ સેમ્પલના રિપોર્ટ બાદ જ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવશે.
વનવિભાગ દ્વારા અતિ દુર્લભ એશિયાટિક સિંહોની સુરક્ષા માટે સતત મોનીટરીંગ અને હેલ્થ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના સંવેદનશીલ વિસ્તારોમાં વેટરનરી ટીમો, ટ્રેકર્સ અને રેસ્ક્યુ સ્ટાફને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. બીમાર અથવા અસ્વસ્થ દેખાતા સિંહોની તાત્કાલિક તપાસણી અને સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની સીઝનમાં અમરેલી જિલ્લામાં એકપણ પુખ્ત સિંહનું મોત નોંધાયું નથી. અને અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. અને વનવિભાગ સતત પેટ્રોલિંગ તેમજ હેલ્થ ચેકઅપ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર વિસ્તારમાં અગાઉ પણ સિંહોમાં ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હતો. વર્ષ 2018 દરમિયાન દલખાણીયા રેન્જમાં સિંહોના રહસ્યમય મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારબાદ વર્ષ 2020 અને 2021 દરમિયાન ધારી અને ખાંભા પંથકમાં પણ બેબસીયા રોગના કારણે સિંહોના મોત નોંધાયા હતા. તે વખતે અનેક સિંહોને સારવાર હેઠળ રાખવા પડ્યા હતા. અને વિશેષ મેડિકલ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.
હાલમાં ફરી એકવાર સિંહબાળના મોતનો મામલો સામે આવતા વનવિભાગ વધુ સતર્ક બન્યું છે. ગીરના કોર તથા બફર ઝોનમાં સતત નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોની ટીમ દ્વારા રોગચાળો વધુ ન ફેલાય તે માટે જરૂરી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
રાજ્યના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષા અને આરોગ્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર તથા વનવિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments