HomeLocal Newsરાજકોટ નાગરિક બેંક આયોજીત નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

રાજકોટ નાગરિક બેંક આયોજીત નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજીત ‘28’માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો રંગે ચંગે ઉદ્ઘાટન સમારોહ શ્રી માધવરાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે યોજાયેલ હતો અને તેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના ચેરમેનશ્રી દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, ‘અત્યારે ઉપસ્થિત કેમ્પના તાલીમાર્થીઓ પૈકી 50 ટકાથી વધુ બાળકો આ કેમ્પમાં એકથી વધુ વખત તાલીમ મેળવેલી છે અર્થાત આ કેમ્પની તાલીમમાં તેમને મજા આવે છે. જે બાળકો પ્રથમ વખત આ કેમ્પમાં તાલીમાર્થે આવ્યા છે તે અન્યને જોઇને આવતા વર્ષોમાં પણ આવશે. કોઇપણ લક્ષ્યમાં સિદ્ધી પ્રાપ્ત કરવી હોય તો તેમાં સાતત્ય હોવું જોઇએ. સતત કામ કરવું પડે. એક વખત કેમ્પમાં તાલીમ લઇ હું ક્રિકેટર બની જાઉં તે શક્ય નથી. તેના માટે સતત સાધના કરવી પડે. તમને જેમાં મજા આવે તેમાં સાતત્ય જાળવવું જોઇએ. ઘણીવાર નિષ્ફળતા મળે તો પણ મહેનત ચાલુ જ રાખવી જોઇએ. આપણું શરીર સ્વસ્થ હશે તો કાર્ય કરી શકીશું. આપણે કહીએ છીએ કે નાગરિક બેંક આપણી બેંક અર્થાત બેંક સાથે આપણું જોડાણ હોવું જોઇએ. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. 10 વર્ષથી મોટા બાળકોના બચત ખાતા ખોલે છે અને તેની સહીથી જ ખાતુ ઓપરેટ થાય છે. બાળકો બેંકથી પરિચિત થાય છે.’
ખ્યાતનામ યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્રભાઇ અમલાણીએ જણાવ્યું હતું કે, ‘આ કેમ્પનો 28 વર્ષમાં પ્રવેશ થયો છે તે જાણીને ખૂબ જ આનંદ થયો અને તે સાથે સંકળાયેલ સહુને ખૂબ ખૂબ અભિનંદન. સમાજ સેવાના પ્રકલ્પરૂપે આ ક્રિકેટ કોચીંગ કેમ્પ ચાલી રહ્યો છે. કૌશિકભાઇ અને તમામ કોચની જે જહેમત છે તે સરાહનીય છે. નાના-નાના ભૂલકાઓને તાલીમ લેતા જોઇએ છીએ ત્યારે ખૂબ જ આનંદ થાય છે. આ કેમ્પ ફક્ત ક્રિકેટની જ તાલીમ નહિ પરંતુ સારા નાગરિક બનવાની, શિસ્તનું પાલન, રમતની ખેલદિલી વગેરે પણ શીખવે છે.’
શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક એક વિચારધારાથી ચાલતી બેંક છે. લોકોના સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી થાય છે. અન્ય બેંક કરતાં આ અલગ છે. કોઇપણ લોકઉપયોગી કાર્યમાં બેંક હંમેશા અગ્રેસર હોય છે. વેકેશનમાં બાળકો ટીવી કે અન્ય ગેજેટ્સમાં ન અટવાઇ જાય તે માટે આ કેમ્પની તાલીમ મહત્વપૂર્ણ છે. આપ અન્યથી અલગ છો એટલે વેકેશનનો સદ્ઉપયોગ કરી તાલીમ લો છો. આપ તાલીમ લો અને એક સ્વપ્ન જુઓ. સ્વપ્ન જોશો તો સાકાર થશે. બેંક આપના સ્વપ્નને સાકાર કરવા વાહક બની છે તે માટે સહુને અભિનંદન. સાતત્ય જાળવો અને શિસ્ત સાથે આગળ વધો એ જ શુભેચ્છા.’
આર્મીના કેપ્ટન જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘શારીરીક સક્ષમતા, માનસિક સર્તકતા અને સાંસ્કારિક ઉન્નતા. આ ત્રણ લાયકાત કેળવીએ તો આપણને કોઇ અટકાવી નહિ શકે. આ રમતના અનેક આઇકોન, મોટા ક્રિકેટરોએ ખોટી માન્યતાને દૂર કરી છે અને આપણા સંસ્કારો, વિચારોને અપનાવીને રમ્યા છે. વિદેશીઓની આ રમત ક્રિકેટને આપણી રીતે અને આપણા સંસ્કારોથી રમીએ.’
આ ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ડો. જીતેન્દ્રભાઇ અમલાણી (સંઘચાલકજી-રાજકોટ મહાનગર-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), ડો. માધવભાઇ દવે (પ્રમુખ-રાજકોટ શહેર ભાજપ), જયદેવભાઇ જોષી (પૂર્વ કેપ્ટન-આર્મી) ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), પ્રોજેક્ટ ડિરેકટર હંસરાજભાઇ ગજેરા, અશોકભાઇ ગાંધી, વિક્રમસિંહ પરમાર, ડિરેકટરગણમાંથી સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, કિર્તીદાબેન જાદવ, સીએ. ભૌમિકભાઇ શાહ, સીએ. બ્રિજેશભાઇ મલકાણ, કલ્પેશભાઇ ગજ્જર, હસમુખભાઇ ચંદારાણા, જ્યોતિબેન ભટ્ટ, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), કૌશિકભાઇ અઢીયા (કોચ), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન હંસરાજભાઇ ગજેરાએ અને આભારદર્શન વિક્રમસિંહ પરમારે ર્ક્યું હતું. આ તકે કૌશિકભાઇ અઢીયાએ આ કેમ્પ સાથે જોડાયેલ વિવિધ સંભારણા રજુ ર્ક્યા હતા. કાર્યક્રમનું સફળ-સરળ સંચાલન યોગેશભાઇ દવેએ ર્ક્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments