ઉત્તર પ્રદેશ બાદ હવે ઓડિશા અને બિહારમાં પણ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઓડિશાના બાલાંગીર અને બિહારના સાસારામમાં તાપમાન 48 ડિગ્રીને વટાવી ગયું હતું. બીજી તરફ દિલ્લી-એનસીઆરમાં પણ 28 મે સુધી ભારે ગરમી અંગે ઈંખઉ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી ગરમ 100 શહેરોમાંથી 97 શહેરો ભારતના હોવાનું પણ સામે આવ્યું છે.
ઓડિશામાં ગરમી અને હીટસ્ટ્રોકની અસર ગંભીર બની રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકથી 16 લોકોનાં મોત થયાની માહિતી મળી છે, જોકે સત્તાવાર રીતે ત્રણ મોતની જ પુષ્ટિ કરવામાં આવી છે. સુંદરગઢ અને સુવર્ણપુર જિલ્લામાં ગરમીના કારણે એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. બાકીના 13 કેસોની તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાંથી રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.
આંધ્રપ્રદેશમાં પણ હીટસ્ટ્રોકના 300થી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે. રાજ્યભરમાં સવારે જ તીવ્ર તડકો અને ગરમ પવનો શરૂ થઈ જતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે.
અતિશય ગરમી સાથે વીજળી ગુલ થવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. બપોરના સમયે રસ્તાઓ અને બજારો સૂમસામ દેખાઈ રહ્યા છે અને અનેક શહેરોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે

