રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યંત જરૂરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. આજના સમયમાં આધુનિક ખેતી સંપૂર્ણપણે યંત્રો પર નિર્ભર છે. ખેતરમાં ટ્રેક્ટર, રોટાવેટર, ઓરણી અને અન્ય ભારે સાધનોના ઉપયોગ માટે ડીઝલ અનિવાર્ય છે. પરંતુ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યો ખોરવાઈ ગયા છે.
ખેડૂતોની મુખ્ય સમસ્યા માત્ર ડીઝલની અછત નથી, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી અને અવ્યવહારુ નિયમો પણ છે. વીરપુરના ખેડૂત તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોએ પોતાની આક્રોશભરી વ્યથા ઠાલવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ખેતીના કામ માટે કેન કે બેરલ લઈને પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે, ત્યારે પંપ સંચાલકો તેમને સીધો ઇનકાર કરે છે. પંપ પરથી એવો જવાબ મળે છે કે કેનમાં ડીઝલ નહીં મળે, વાહન લઈને આવો તો જ વાહનની ટાંકીમાં ડીઝલ ભરવામાં આવશે.
આ પરિસ્થિતિએ એક અત્યંત મોટો અને વિરોધાભાસી પ્રશ્ન ઉભો કર્યો છે. ખેડૂતોનો સીધો અને તદ્દન વાજબી સવાલ એ છે કે, જો ટ્રેક્ટર કે અન્ય વાહનમાં ડીઝલ જ ન હોય, તો તેને ખેતરેથી પેટ્રોલ પંપ સુધી ચલાવીને કઈ રીતે લઈ જવું? ડીઝલ વગર વાહન ચાલી શકે નહીં અને પંપ સંચાલકો વાહન વગર ડીઝલ આપતા નથી. આ બેવડા માપદંડ અને અવ્યવહારુ નિયમને કારણે ખેડૂતો બાનમાં મુકાયા છે.ખેડૂતોને ખેતરમાં અત્યારે હાલ આગોતરા વાવણી કરવી, રાપ મારવી, ખાતર નાખવા અને જમીન તૈયાર કરવાના કામો ડીઝલના અભાવે સદંતર અટકી પડ્યા છે.
સ્થાનિક ખેડૂતોએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી છે કે ખેતીના આ મહત્વપૂર્ણ સમયે ડીઝલ પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. વધુમાં, સરકારે હસ્તક્ષેપ કરી ખેડૂતો માટે કેનમાં ડીઝલ આપવાના નિયમોમાં તાત્કાલિક વ્યાવહારિક છૂટછાટ આપવી જોઈએ. જો આમ થશે તો જ તેઓ પોતાના ખેતરે ઉભેલા સાધનોમાં ઈંધણ ભરી શકશે અને વાવણી સમયસર થઈ શકશે. જો આ સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો વાવણી માટે ખેતરો હજુ તૈયાર કરવાના બાકી છે ત્યારે ચોમાસું અને વાવણીનો સમય નજીક આવતો જાય છે જો વાવણી લાયક ખેતરો તૈયાર નહિ થાય તો પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે. પ્રશાસને આ બાબતે ત્વરિત પગલાં ભરવા જોઈએ હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ખેતી માટે તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરે જેથી તેમનો કિંમતી સમય ન વેડફાય અને વાવણી કરવા માટે પોતાના ખેતરો સત્વરે તૈયાર કરી શકે.

