અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. ખાસ કરીને ખેતીની સિઝન ટાંકણે ઉભી થયેલી ડીઝલની તંગીને કારણે ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી, સાવરકુંડલા, ધારી, જાફરાબાદ સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ ટ્રેક્ટર, પીકઅપ વાહનો, ટેમ્પા તથા અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા સ્થળોએ ખેડૂતો પ્લાસ્ટિકના કેરબા અને બેરલો લઈને પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા જેથી એક સાથે વધુ ડીઝલનો જથ્થો ભરી શકાય.
ડીઝલની અછતના કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર ભારે ગીચતા સર્જાઈ હતી. ડીઝલ મેળવવા માટે લોકો વચ્ચે ધક્કા મુક્કીની સ્થિતિ પણ ઉભી થતાં અમુક સ્થળોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવા પ્રયાસો હાથ ધરાયા હતા.
આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, હાલ ખેતીના કામ કાજનો સમય ચાલી રહ્યો છે. ટ્રેક્ટર, ડીઝલ એન્જિન અને ખેતીના અન્ય સાધનો માટે ડીઝલ જરૂરી હોવાથી અછતના કારણે ખેતીના કાર્યો પર સીધી અસર પડી રહી છે. કેટલાક ખેડૂતોને ડીઝલ માટે દુર દુરના પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.
વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ડીઝલના અભાવે દૈનિક વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે અને સમયસર વાહનો ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
અમરેલી જિલ્લામાં ડીઝલની અછત છતાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. લોકો દ્વારા પુરવઠા વિભાગ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા ભરમાં ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

