HomeLocal Newsચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: બે લોકોના મોત

ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: બે લોકોના મોત

દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપથી વ્યાપક ગભરાટ ફેલાયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટીવી ચેનલ સીસીટીવી અનુસાર, સોમવારે સવારે 12:21 વાગ્યે લિયુઝોઉ શહેરના લિયુનાન જિલ્લામાં ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્રબિદુ તાઈયાંગચુન શહેર નજીક હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ભૂકંપ ખૂબ જ મજબૂત બન્યો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે 13 ઇમારતો ધરાશાયી થઈ હતી. ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે 7,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અનેક ઘરો અને ઇમારતોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી ચાલુ રાખી રહી છે. સ્થાનિક અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલમાં ખતરાની બહાર છે. એક વ્યક્તિની શોધ ચાલુ છે. ભૂકંપ ફક્ત લિયુઝોઉ પૂરતો મર્યાદિત નહોતો. નાનિગ અને ગુઇલિન સહિત ગુઆંગશી પ્રદેશના ઘણા મોટા શહેરોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. મોડી રાત્રે આવેલા ભૂકંપથી ગભરાયેલા રહેવાસીઓ તેમના ઘરો છોડીને ભાગી ગયા હતા. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ રેલ્વે લાઇનોની સલામતી તપાસ કરવામાં આવી રહી છે. આનાથી કેટલીક ટ્રેનોની અવરજવરમાં વિક્ષેપ પડી શકે છે અને મુસાફરોને વિલંબ થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે. ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને લોકોને આફટરશોક્સની શક્યતાને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા વિનંતી કરી છે. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્ત પરિવારોને કામચલાઉ રાહત શિબિરોમાં ખસેડવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments