જસદણ તાલુકાના આટકોટ ખાતે પૂજ્ય શ્રી જલારામબાપાના ધર્મપત્ની પૂજ્ય શ્રી વીરબાઈમાના પ્રાગટ્ય (જન્મ) સ્થળે 35 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ જગ્યાના પુન: નિર્માણ પ્રસંગે યોજાયેલ ભૂમિ પૂજન અને શીલા પૂજન સંતો મહંતોના કર કમળો દ્વારા સંપન્ન થયુ હતુ.
આટકોટ ખાતે આવેલ આ ઐતિહાસિક જગ્યા ઉપર 35 વર્ષ પૂર્વે પૂ.શ્રી હરિરામબાપા દ્વારા પૂ.શ્રી વીરબાઇમાના જન્મ સ્થળે રામ ધુન અને વીરબાઈમાંને અતિ પ્રિય અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમય જતા આ જગ્યા જર્જરીત થતા મંદિરના ટ્રસ્ટને જયંતિલાલ કેશવજી સોમૈયા અને કાંતિલાલ કેશવજી સોમૈયા પરિવાર દ્વારા થોડી જગ્યા અર્પણ થયા બાદ આજુ-બાજુની જગ્યા ટ્રસ્ટ દ્વારા ખરીદી પૂ.શ્રી વીરબાઈમાની જગ્યાએ દર્શનાર્થે આવતા ભક્તજનોના ઘસારાને ધ્યાને લઈ જગ્યાનો પુન:નિર્માણ કાર્યક્રમ ગઈકાલે આટકોટ ખાતે યોજાયો હતો અત્યંત ધાર્મિક વાતાવરણમાં અને રામધુનની રમઝટ સાથે ગઈકાલે માના જન્મ સ્થળ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી પૂજ્ય માના ભક્તજનોની હાજરીમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે વીરપુરથી પૂજ્ય શ્રી જલારામબાપાના પરિવારમાંથી ખાસ પધારેલા ભરતભાઈ અને અકીલાના મોભી કિરીટભાઈ ગણાત્રા આ ઐતિહાસિક ખાતમુહૂર્ત અને શીલા પુજનમાં જોડાતા મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક કમિટીના સભ્યો અને સમગ્ર ગ્રામજનોમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી. સવારે 10:30 વાગ્યે ભૂમિ પૂજન અને શીલા પુજનની વિધિ પૂર્ણ થયા બાદ સંત સભા યોજાઈ હતી જેમાં જાનકીદાસબાપુ, ભક્તિરામબાપુ, ચંદુમા, આત્માનંદ સ્વામી, જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા સહિતના વક્તાઓએ પૂ. જલારામબાપા અને વીરબાઈમાતાના પરચાઓ અને જીવન ઝરમર વિશે પ્રકાશ પાડ્યો હતો.
સંત સંમેલનના પ્રારંભે મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક કમિટીના સભ્યો અને ગ્રામજનો દ્વારા સંતો મહંતો અને મહેમાનોનું પુષ્પહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટી બીપીનભાઈ જસાણી, ધીરૂભાઈ મોણસરા, જગાભાઈ પોપટ, પ્રફુલભાઈ પોપટ, સંજયભાઈ પોપટ સ્થાનિક કમિટીના મનાભાઈ વસંત, રાજુભાઈ વસંત, વિજય વસાણી, ધનાભાઈ ખોખરીયા, મેહુલભાઈ ઇંગોરાળાવાળા, જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ હિરપરા, દિલીપ રામાણી, ધુધાભાઈ રાતડીયા, કનુભાઈ ખોખરીયા, સંજયભાઈ સેલીયા, મનુભાઈ પરવાડિયા, રાજુભાઈ ખોખરીયા, અતુલભાઈ ઊંજીયા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે વીરબાઈમાતાનો જે જગ્યા ઉપર જન્મ થયો હતો તે પવિત્ર અને ઐતિહાસિક જગ્યા ઉપર પુન: નિર્માણ થયા બાદ પૂ. જલારામબાપા અને પૂ. વીરબાઈમાતાનું ચિત્રજી પધરાવવામાં આવશે આ ઉપરાંત વીરબાઈમાના જન્મ સ્થળની સામે જ પૂ. જલારામબાપા અને પૂ. વીરબાઈમાતા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા તે જગ્યા ઉપર હાલ અનક્ષેત્ર ચાલી રહ્યું છે જેમાં બંને ટાઈમ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે પદયાત્રીઓ માટે પણ ભોજન અને રહેવાની સુવિધા મંદિર દ્વારા નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ગઈકાલે જલારામ જગ્યા વિરપુરથી ખાસ પધારેલા ભરતભાઈએ આ સમગ્ર જગ્યા જોઈ હતી અને જગ્યાનો ઐતિહાસિક પરિચય જાણી ખૂબ જ ભાવવિભોર થયા હતા.

