શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઝગઅઈં) લોકલ યુનિટ-રાજકોટ દ્વારા 12મી મે ’આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રે દાયકાઓ સુધી મૂલ્યવાન સેવાઓ આપી નિવૃત્ત થયેલા નર્સિંગ સ્ટાફના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રેઇન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ઝગઅઈં) રાજકોટ યુનિટ દ્વારા માત્ર એક દિવસ જ નહીં, પરંતુ સમગ્ર ’નર્સિસ વીક’ દરમિયાન લોકસેવા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નર્સની ભૂમિકાને સમાજનું અભિન્ન અંગ ગણાવતા ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે, “નર્સ એ શિસ્ત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તે નિરાશામાં ડૂબેલા દર્દીમાં આશાનો સંચાર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા આર્થિક અને માનસિક રીતે નબળા દર્દીઓ સાથે સંવેદનશીલતા અને સ્મિત સાથેનું વર્તન અન્ય લોકો માટે પ્રેરણા બની રહે છે. તબીબ અને દર્દી વચ્ચેની કડી સમાન નર્સનાં વાણી અને વર્તનમાં નિર્મળતા, ધીરજ અને મક્કમતાના કારણે બધાના દિલ જીતીને સમાજમાં આગવું સ્થાન ઊભું કર્યું છે.
આ કાર્યક્રમમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ, તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (ૠગઈ) ના રજિસ્ટ્રાર ડો. પ્રજ્ઞા ડાભી, નર્સિંગ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ, ગુજરાત સ્ટેટ ઝગઅઈં ના પ્રમુખ હિતેશ ભટ્ટ, ગુજરાત સ્ટેટ ઝગઅઈં ના સેક્રેટરી ઇકબાલ કડીવાલા, ઝગઅઈં રાજકોટના પ્રમુખ જતીન અધેરા, નિરવ દુધરેજીયા, જીતેન્દ્ર મેહ તથા નિવૃત્ત નર્સિંગ અધિકારીઓ હિતેન્દ્ર ઝાંખરિયા અને રાજેશ કાગડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તમામ સભ્યોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા ઝગઅઈં લોકલ યુનિટના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

