પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં 12 મે, 2026ના રોજ ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનો પ્રારંભ આધુનિક નર્સિંગના જનક ફ્લોરેન્સ નાઈટીંગેલને મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમારે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, નર્સો આરોગ્ય સેવા પ્રણાલીની હાર્ટ બીટ છે અને દર્દીઓની સંભાળમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ હોય છે. તેમણે ઉમેર્યું કે જન્મથી લઈને સારવાર સુધી જીવનના દરેક મહત્વના તબક્કે નર્સો માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
ડો. રાજકુમારે ફ્લોરેન્સ નાઈટીંગેલના જીવન અને યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે નર્સિંગ વ્યવસાયને નવી ઓળખ અને સન્માન અપાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2026ની આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ ઘીિ ગીતિયત, ઘીિ ઋીિીંયિ: ઊળાજ્ઞૂયયિમ ગીતિયત જફદય કશદયત નર્સિંગ વ્યવસાયના મહત્વને દર્શાવે છે.
તેમણે પોતાના સંબોધનમાં નર્સિંગ ક્ષેત્ર સામેના પડકારો જેવા કે આરોગ્ય સેવાઓમાં સ્ટાફની અછત, દર્દીઓની વધતી જતી અપેક્ષાઓ અને સારવારની જટિલતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નર્સિંગ કાર્યબળને પ્રોત્સાહન, સહયોગ અને બહેતર કાર્યકારી વાતાવરણ પૂરું પાડવું એ સમયની જરૂરિયાત છે.
આ પ્રસંગે અન્ય નર્સિંગ સ્ટાફ સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સેવા દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ સ્ટાફના સમર્પણ, સેવા ભાવના અને યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન તમામ નર્સિંગ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યું હતું.

