પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનના માર્ગદર્શન હેઠળ ટ્રેનના પાઇલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવા અને અત્યંત સતર્કતા સાથે ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાઇલટોની જાગૃતિ તથા વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સંકલિત પ્રયાસોના પરિણામે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 અને વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં કુલ 11 સિંહોને બચાવવામાં આવ્યા છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે ગત તા.12 મંગળવારના રોજ રેલ્વે ટ્રેનના પાઇલટ રમેશ પી. જૂનાગઢ તથા સહાયક લોકો પાઇલટ ચિંતનકુમાર જૂનાગઢ વિભાગના ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા.
આ દરમિયાન જૂનાગઢ-વિસાવદરના રૂટના કિલો મીટર નંબર 05/01 નજીક રેલવે ટ્રેક પર અચાનક 6 જેટલાં સિંહોનું એક ટોળું રેલ્વે લાઈનના પાટા પાર કરતું જોવા મળ્યું હતું. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવેનાં પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી હતી, જેના કારણે તમામ સિંહો અકસ્માતથી બચી ગયા.
આ બનાવ અંગે ટ્રેનના પાઇલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) લલનકુમારને જ જાણ કરતા વન વિભાગના ટ્રેકર સ્થળ પર પહોંચી જઈ તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતાં. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ ટ્રેનનાં પાઇલટને ટ્રેન ફરી આગળ ચલાવવાની મંજૂરી આપવામાં આવી
આ ઘટનાની જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અન્ય અધિકારીઓએ આ ટ્રેનનાં પાઇલટોની સતર્કતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. ભાવનગર મંડળ વન્યજીવ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અને રેલવે તથા વન વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા એશિયાટિક સિંહોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે સતત કાર્ય કરતું રહેશે.

