હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના રિપોર્ટસ અનુસાર નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. લા નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે.
તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે. આ ઉપરાંત કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે. વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા છે.
